News of Monday, 29th September 2025
રૈયાધાર ડ્રીમસીટી નજીક ગરબીના સંચાલક ભોમેશ્વરના કિશન રાવની કારને આંતરી છ શખ્સોની ધોકાથી તોડફોડ
શિતલ પાર્કમાં ગરબી મહોત્સવ પુરો કરી ચાર મિત્રો યુનિવર્સિટી રોડ પર જમવા જવા નીકળ્યા ત્યારે બનાવઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી

તસ્વીરમાં જે કારમાં ધોકા ફકટારી નુકસાન કરાયું તે (ઉપર) તથા નીચે માથાકુટના સીસીટીવી ફૂટેજના દ્રશ્યો જોઇ શકાય છે
રાજકોટ તા. ૨૯: શહેરના ભોમેશ્વરમાં રહેતાં અને બજરંગવાડી શિતલ પાર્કમાં સનાતન ગરબીનું સંચાલન કરતાં યુવાન અને તેમના મિત્રો ગત ૨૧મીએ ગરબીનો મહોત્વસ પુરો થતાં મિત્રો સાથે કાર લઇ દ્વારકાધીશ હોટલ ખાતે જમવા જઇ રહ્યા હતાં ત્યારે રૈયાધારથી શાંતિનગર ગેઇટથી આગળના રસ્તે એક નંબર વગરની લાલ કારમાં આવેલા છ શખ્સોએ આ લોકોની કાર આંતરી ધોકાવાળી કરી કારના કાચ ફોડી નાંખી નુકસાન કરતાં અને ભાગી જતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોમેશ્વર શ્રમજીવી જાગૃતિ સોસાયટી-૫માં ભોમેશ્વર મંદિર પાસે રહેતાં કિશનભાઇ પરેશભાઇ રાવ (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી ૬ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો છે. કિશનભાઇ રાવ ઘરે બેઠા ફોટોગ્રાફીનું કામ કરે છે. તેના પિતા રિક્ષા હંકારે છે. કિશનભાઇએ કહ્યું હતું કે ગત ૨૧/૯ના રાતે એકાદ વાગ્યે શિતલ પાર્ક નવરાત્રી મહોત્સવ ખાતેથી હું અને મારા ત્રણ મિત્રો આનંદ રાજશેભાઇ મકવાણા, તિર્થ રાજુની અને ગોૈરવ જેઠવા એમ ચારેયા આનંદ મકવાણાની કાર જીજે૦૩એફકે-૬૭૦૫માં બેસીને યુનિવર્સિટી રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલ ખાતે જમવા માટે જવા નીકળ્યા હતાં. આ વખતે કાર હું ચલાવતો હતો.
રૈયાધાર પાસે શાંતિનગર ગેઇટવાળા રસ્તે ડ્રીમસીટીથી આગળ દ્વારકોશ પાર્કના મેઇન રોડના ખુણે અમે પહોંચ્યા ત્યારે પાછળથી લાલ રંગની સ્વ્ીફટ આવી હતી. તેના ચાલકે અમારી કારની આગળ રસ્તા વચ્ચે કાર ઉભી રાખી હતી. બાદમાં તેમાંથી પાંચ છ શખ્સો નીકળ્યા હતાં. જેમાં બે જણા પાસે હાથમાં લાકડાના ધોકા હોઇ અમારી કાર પાસે આવ્યા હતાં. આ વખતે મારી બાજુમાં બેઠેલા આનંદભાઇ કારમાંથી નીચે ઉતર્યા હતાં. પરંતુ શખ્સોના હાથમાં ધોકા જોઇ તે ફરીથી કારમાં બેસી ગયા હતાં. આ પછી અજાણ્યા શખ્સોએ કારના આગળના કાચમાં ધોકાના ઘા ફટકારી કાચમાં નુકસાન કરી દીધુ હતું.
આથી મેં કારને ઝડપથી રિવર્સ લેતાં આ લોકો પાછળ દોડયા હતાં અને કારની બારીના કાચ પર ધોકાના ઘા માર્યા હતાં અને કાચ તોડી નાંખ્યા હતાં. આથી અમે ગભરાઇ ગયા હતાં અને કાર લઇ ડ્રીમસીટીવાળા રોડથી શાંતિગનર ગેઇટ તરફ જઇ પાછા વળી ગયા હતાં. આ કાર ફરીથી અમારી પાછળ આવશે તેમ લાગતાં અમે સીધા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતાં અને એક અરજી આપી હતી. હુમલો કરનારા શખ્સો જેમાં આવ્યા હતાં એ કારના નંબર અમે જોઇ શક્યા નહોતાં. આડેધડ ધોકા મારી આ શખ્સોએ કારના આગળના કાચ, સાઇડના કાચ, છાપરામાં ઘોબા ફાડી, જમણી સાઇડનો મીરર વગેરે તોડી નાંખી ૪૦ હજારનું નુકસાન કર્યુ હતું. બીજા કોઇ સાથેની માથકુટ હોઇ તેના કારણે અમારી કારને આંતરી હુમલો કરાયાની શંકા છે. પીઆઇ એચ. અને. પટેલની રાહબરીમાં હેડકોન્સ. જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૧૪.૯)
(2:52 PM IST)










