તા. ૧૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૭ ગુરૂવાર
News of Monday, 29th September 2025
રાજકોટ જીલ્લાના આજી-૧ સહિત એકી સાથે ૭ ડેમો ઓવરફલોઃ ૫૮ ગામોના લોકોને ચેતવણી
ફાડદંગ બેટી, આજી-૨, વેરી, સુરવો, છાપરવાડી-૨, ભાદર-૨ ડેમ બીજી વખત છલકાયા

રાજકોટ, તા.૨૯: ભારે વરસાદના કારણે રાજકોટ જિલ્લાના આજી-૧, ફાડદંગ બેટી, આજી-૨, વેરી, સુરવો, છાપરવાડી-૨ અને ભાદર-૨ ડેમો ઓવરફ્લો થયા છે, આથી આ તમામ ડેમોના હેઠવાસમાં આવેલા ગામોના નાગરિકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા રાજકોટ ફલડ કંટ્રોલ સેલે ઉમેર્યુ છે.
આજી-૧ ડેમ ઓવર ફ્લો થવાથી ડેમના નીચાણ વિસ્તારમાં આવેલા બેડી, મનહરપુર, રોજકી, થોરાળા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે. જળાશયના પાણીનું હાલનું લેવલ ૧૪૭.૫૨ મીટર છે.
રાજકોટ તાલુકાનો ફાડદંગ બેટી જળાશય ઓવરફ્લો થવાથી રાજકોટ, બેડલા, જામગઢ લાંબા-કોટડા, ફાડદંગ, રફાળા, રામપરા, મઘરવાડા, પારેવાળા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે. પડધરી તાલુકામાં આવેલો આજી-૨ ડેમ ઓવર ફ્લો થતાં પડધરી, અડબાલકા, બાગી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, સખપર, ઉકરડા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના અપવામાં આવી છે.
ગોંડલ તાલુકામાં આવેલુ વેરી જળાશય ઓવરફ્લો થવાથી ગોંડલ, કંટોલીયા, વોરકોટડા ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા અને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે.
જેતપુર તાલુકા પાસે આવેલ સુરવો ડેમ ઓવરફ્લો થતાં તેનો ૧ દરવાજો ૦.૧૫ મીટર ખોલાયો છે. જળાશયના પાણીનું હાલનું લેવલ ૯૯.૮૫ મીટર છે.આથી ડેમના હેઠવાસમાં આવેલા થાણા ગાલોળ, ખીરસરા, ખજુરી ગુંદાળા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા જણાવાયું છે. જળાશયના પાણીનું હાલનું લેવલ ૯૯.૮૫ મીટર છે.
જેતપુર તાલુકાનો છાપરવાડી -૨ ડેમ ઓવરફ્લો થતાં જેતપુર, લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, રબારીકા, લુણાગરી ગામોના લોકોને નદીના પટમાં ગ્રામજનોએ અવરજવર ન કરવા સૂચના અપાઇ છે.
ધોરાજી તાલુકામાં આવેલો ભાદર -૨ ડેમ ઓવરફ્લો થતાં તેના બે દરવાજા ૦.૩ મીટર ખોલવામાં આવ્યા છે. જળાશયના પાણીનું હાલનું લેવલ ૫૩.૦૫ મીટર છે. આથી ધોરાજી, ભોલા, ભલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા, ડુમિયાણી, ચીખલિયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગઢાળા, ગાંડોદ, હાડફોડી, ઈસરા, મજેઠી, નિલાખા, તેલંગાણા વગેરે ગામોના લોકોને સલામત સ્થળે ખસી જવા ફ્લડ કંટ્રોલ સેલની યાદીમાં જણાવાયું છે. (રર.૧૮)
(2:51 PM IST)










