News of Tuesday, 30th September 2025
વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસ મહામંત્રીના પુત્રએ ઘર પાસે રાખેલી મિત્રની કાર અજાણ્યાએ સળગાવી
ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં વહેલી સવારે બનાવઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો કાર માલિક કોલેજ ચોકમાં રહેતાં પિયુષભાઇ દત્તાની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યોઃ પિયુષભાઇએ કાર મિત્ર જેરામભાઇ જોગરાણાને ફેરવવા આપી હતીઃ જેરામભાઇના પિતા મીઠાભાઇ કોંગી આગેવાનઃ આગ લગાડનારાને શોધવા દોડધામ

રાજકોટ તા. ૩૦: શહેરના ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં વોર્ડ નં. ૧૩ના કોંગી મહામંત્રીના દિકરાએ પોતાના મિત્ર પાસેથી ફેરવવા માટે લીધેલી કાર રાતે ગરબા રમીને આવ્યા બાદ ઘર પાસે રાખી હોઇ તેમાં વહેલી સવારે કોઇ અજાણ્યો શખ્સ પેટ્રોલ કે પછી બીજુ કોઇ જ્વલનશીલ પ્રવાહી છાંટી સળગાવીને ભાગી જતાં ચકચાર જાગી છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ પોલીસે આગ લગાડનારાને શોધી કાઢવા તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં માલવીયાનગર પોલીસે પીડીએમ કોલેજ નજીક સર્વોદય સ્કૂલ પાસે રહેતાં અને રિક્ષા લે-વેંચનું કામ કરતાં પિયુષભાઇ નરોત્તમભાઇ દત્તાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિયુષભાઇએ જણાવ્યું હતું કે મારી પાસે ૨૦૧૮ના મોડેલની મારૂતિ બ્રેઝા કાર સફેદ રંગની છે. જેના નંબર જીજે૦૩કેએચ-૩૫૭૬ છે. મારી આ કાર થોડા દિવસ પહેલા મેં મારા મિત્ર કે જે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગર-૧માં રહે છે તે જેરામભાઇ પીઠાભાઇ જોગરાણાને ફેરવવા આપી હતી. દરમિયાન આજે વહેલી સવારે મને મારા મિત્ર જેરામભાઇએ ફોન કરીને કહ્યું હતું કે હું તમારી કાર લઇને રાતે નવરાત્રી રમવા ગયો હતો અને બાદમાં મોડી રાતે ઘરે આવીને કાર મારા ઘર પાસે પાર્ક કરી દીધી હતી.
સવારે પાડોશીએ મને જાણ કરી હતી કે તમે ઘર પાસે રાખેલી કાર સળગે છે. આથી હું તરત બહાર નીકળ્યો હતો અને પાણી નાખી આગ બુઝાવી હતી. કારમાં આગળ-પાછળના ભાગે આગને કારણે નુકસાની થઇ હતી. આ આગ કેવી રીતે લાગી? તે જાણવા અમે સોસાયટીમાં સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં સવારે ચાર પછી એક અજાણ્યો શખ્સ હાથમાં કંઇક જ્વલનશીલ પ્રવાહી લઇને આવતો અને કાર ઉપર છાંટી આગ લગાડી ભાગી જતો જોવા મળ્યો હતો. રૂા. ૭,૫૧,૦૦૦ની કિંમતની આ કારમાં આગથી નુકસાની થઇ હોઇ જેથી મેં પોલીસને જાણ કરી હતી. તેમ પિયુષભાઇએ વધુમાં કહેતાં પીઆઇ જે.આર. દેસાઇની રાહબરીમાં ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.
વધુ માહિતી મુજબ કાર જેના હસ્તક હતી તે જેરામભાઇ જોગરાણાના પિતા પીઠાભાઇ જોગરાણા વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસ મહામંત્રી છે. આ કાર કોણે અને શા માટે સળગાવી? તે અંગે ચર્ચા જાગી છે. એલસીબીની ટીમ પણ તપાસ કરી રહી છે.
(2:34 PM IST)










