<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

લીમડા ચોક, શાસ્‍ત્રી મેદાન, રેસકોર્ષ ફુટપાથ અને બાલાજી હનુમાનજી પાસે પડયા પાથર્યા રહેતા દારૂડીયા- આવારા તત્‍વોથી લોકો- વેપારીઓ પરેશાનઃ સરાજાહેર નિર્વસ્‍ત્ર થઇ કાનમાં કીડા પડે તેવી ગાળો બોલી થતી બબાલોથી સદગૃહસ્‍થોના માથા શરમથી ઝુકી જાય છે....

પોલીસ - મ્‍યુનિસીપલ તંત્ર પણ દૂર ભાગે છે! : પોલીસ કમિશનર અને ડેપ્‍યુટી કમિશનર સહિતના પોલીસ અધિકારીઓના કાફલાએ આ સમસ્‍યા કાયદો અને વ્‍યવસ્‍થાની વ્‍યાખ્‍યામાં જ આવતી હોવાનુ સમજી નેસ્‍તનાબુદ કરવી જ રહી

 

 

રાજકોટઃ શહેરમાં સરાજાહેર મારામારી, વાહનોમાં તોડફોડ, સશસ્‍ત્ર હુમલા, વાહનો સળગાવવા, નજીવી બાબતોમાં લુખ્‍ખા તત્‍વો દ્વારા સદગૃહસ્‍થો સાથે ગેરવર્તન અને હુમલાના બનાવોએ રાજકોટની શાંતિ હણી લીધી છે. અંગત અદાવતોમાં થતા ઝઘડામાં પોલીસ અધિકારીઓ પોતાનો બચાવ કરી લેતા હોય છે. પરંતુ આમજનને સીધી રીતે અસર કરતી ઘટનાઓમાં તો કાયદો વ્‍યવસ્‍થાના વાહકોની જવાબદેહી જરૂરી છે. શહેરના રાજમાર્ગો ઉપર પડયા પાથર્યા રહેતા આવારા, અસામાજીકો અને લુખ્‍ખાઓએ સદગૃહસ્‍થોને દિવસે બહાર નીકળતા પણ વિચાર કરવો પડે તેવુ ચોક્કસ જગ્‍યાએ વાતાવરણ ઘણા વર્ષોથી સર્જાયું છે. પરંતુ પોલીસ અને મ્‍યુનિસપલ તંત્ર પણ આવા તત્‍વોથી ડરીને દુર ભાગતુ હોય તેવી છાપ લોકોના મગજમાં ઉપસી રહી છે. રેસકોર્ષ રીંગરોડ ઉપર ગેલેકસીથી આગળ આકાશવાણી અને આસપાસની ફુટપાથો ઉપર રમકડા વહેંચતા પરિવારો રોજી-રોટી રળે તેની સામે કોઇને વાંધો ન હોય પરંતુ રાત હોય કે દિવસ આ શ્રમજીવી પરિવારના પુરૂષો નશામાં ધુત બની અંદરો-અંદર ગાળાગાળી અને મારામારી કરતા અવાર-નવાર જોવા મળે છે. જેને લઇ પસાર થતા રાહદારી મહિલાઓ તો શું પરંતુ પુરૂષોના માથા પણ શરમથી ઝુકી જાય છે.

આવો જ બનાવ રવિવારે શાસ્‍ત્રી મેદાન નજીકના લીમડા ચોકમાં બન્‍યો હતો જયાં ફુટપાથ ઉપર પડયા પાથર્યા રહેતા આવારા દંપતિએ ‘પોટલી' મારી એટલી હલ્‍કી કક્ષાના દ્રશ્‍યો સજર્યા કે રાહદારીઓ કે આસપાસના વેપારીઓ પણ સમસમી ઉઠયા હતા. લગભગ અડધી પોણી કલાક ચાલેલી બબાલ દરમ્‍યાન નશાખોર દંપતિએ અપશબ્‍દોનો વરસાદ વરસાવ્‍યો હતો એટલુ જ નહિ આ યુગલ પૈકીના પુરૂષે તો હદ વટાવી નિર્વસ્‍ત્ર થઇ એક પ્રતિષ્‍ઠીત વેપારીના શો-રૂમ ઉપર પથ્‍થરો ફેંકી ભારે ધમાલ મચાવી દીધી હતી. લીમડા ચોકમાં આવેલા આ કોમ્‍પલેક્ષમાં આવા લોકોને બરાબરનો પદાર્થ પાઠ શીખવી શકે તેવા વેપારીઓ પણ છે. પરંતુ પોતાના હાથ કાળા કરવામાં કયાંક અઘટિત ઘટના બની જાય તો ભૂતકાળમાં આવારા તત્‍વોને સામુહિક પરચો આપવામાં બનેલા હત્‍યાના બનાવોનો ધડો લઇ અંત્‍યત ગલીચ હરકતો કરતા આ દંપતિના મોઢે લાગવાથી સોૈ કોઇ દુર રહયા હતા. મોડે-મોડે પોલીસ આવ્‍યા પછી કોઇ કડક પગલા લેવાયા હોય તેવું કોઇની જાણમાં નથી.

આવી જ રીતે કરણસિંહજી બાલાજી હનુમાનજી આસપાસ પડયા પાથર્યા રહેતા આવારા પરિવારો પણ અહીં દર્શને આવતા લોકોને ખચકાટ થાય તેવું વર્તન અવાર-નવાર કરતા નજરે પડે છે. ગઇકાલે સાંજે આરતી સમયે કરણસિંહજી સ્‍કુલના નવા બિલ્‍ડીંગના પોર્ચમાં ‘‘અઠે દ્વારકા'' કરી પડયા પાથર્યા રહેતા દંપતિ પૈકીના પુરૂષે નશો કરી લેતા બંને પતિ પત્‍ની વચ્‍ચે જે વાણી વિલાસ, ગાલી-ગલોચ થઇ તેનાથી ભકતજનોના કાનમાં કીડા પડી ગયા હતા. આવી જ હાલત અવાર-નવાર શાસ્‍ત્રી મેદાન ની ફુટપાથ ઉપર પણ થાય છે. આમ પરિસ્‍થિતી જાણી ગયેલા લોકો આ રસ્‍તે ચાલવાનું પણ ટાળી રહ્યા છે. જે પોલીસ તંત્ર સહિતના તંત્ર વાહકો માટે શરમજનક ગણી શકાય. શાંત અને સલામત રાજકોટની છાપ કહેવા માત્રની રહી ગઇ છે. ત્‍યારે શહેર પોલીસ કમિશનર અને ડેપ્‍યુટી કમિશનર સહિતના પોલીસ અધિકારીઓના કાફલાએ આ સમસ્‍યા કાયદો અને વ્‍યવસ્‍થાની વ્‍યાખ્‍યામાં જ આવતી હોવાનુ સમજી નેસ્‍તનાબુદ કરવી જ રહી.(૨.૨૬)

 

 

(2:40 PM IST)