<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રના ૧રપ ગામોનો વટ : ઘરવેરાની ૮૦%થી વધુ વસુલાત બદલ ૧.૭પ કરોડની ગ્રાન્‍ટ મળવાપાત્ર

ઘરવેરા પ્રોત્‍સાહક યોજના અંતર્ગત ગયા વર્ષ કરતા અઢી ગણી વધુ સફળતા રાજકોટ તાલુકાની સૌથી વધુ રર અને ગોંડલની ર૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ

રાજકોટ, તા. ૧: જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં આવતા પ૯પ ગામડાઓ પૈકી ૧રપ ગામોની પંચાયતોએ રાજય સરકારની ઘરવેરા પ્રોત્‍સાહક યોજના અંતર્ગત ઘરવેરાની ૮૦ ટકાથી વધુ વસુલાત કરતા વસુલાતની રકમ જેટલી જ રકમ સરકારી ગ્રાન્‍ટ તરીકે મેળવવા હકકદાર બનેલ છે. ડી.ડી.ઓ શ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ ડે. ડી.ડી.ઓ. શ્રી જય ગોસ્‍વામીની સૂચનાથી ગ્રામ પંચાયતોએ ઝુંબેશ ચલાવી વેરા વસુલાત કરેલ. આંકડાકીય રીતે ગયા વર્ષ કરતા ઘરવેરા વસુલાતમાં અઢી ગણી વધુ સફળતા મળી છે.

ઘરવેરા પ્રોત્‍સાહક યોજના અંતર્ગત જે ગામોમાં ગ્રામ પંચાયતના કુલ માંગણા સામે ૮૦ ટકા થી વધુ વસુલાત કરેલ હોય તેવી ગ્રામપંચાયતને વસુલાત થયેલ રકમનાં પ૦% અથવા વધુમાં વધુ પ લાખ બે માંથી ઓછુ હોય તે રકમ પ્રોત્‍સાહક રકમ તરીકે આપવાની જોગવાઇ થયેલ છે. તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ દ્વારા રજુ થયેલ દરખાસ્‍તોનું એકંદર કરી જિલ્લા પંચાયત કચેરી દ્વારા વિકાસ કમિશનર વિકાસ ગાંધીનગરને દરખાસ્‍ત મોકલી આપવામાં આવેલ.

તે અન્‍વયે વર્ષ ર૦ર૪-રપ માટે રૂા. ૧,૭પ,૬૪,૩૪૭ અંકે રૂપિયા એક કરોડ પંચોતેર લાખ ચોસઠ હજાર ત્રણસો સુડતાલીસ પુરાની ગ્રાન્‍ટ અત્રેના જિલ્લાની હવાલે મુકવામાં આવેલ છે. સંબંધિત ગ્રામ પંચાયતોને ફાળવવાની થતી ગ્રાન્‍ટ સંબંધીત તાલુકા વિકાસ અધિકારીઓને શરતોને આધીન રહી ફાળવવા જિલ્લા પંચાયતે હુકમ કરેલ છે.

રાજકોટ જિલ્લામાં વર્ષ-ર૦ર૩-ર૪માં ૬૮ ગ્રામ પંચાયતો પ્રોત્‍સાહક ગ્રાન્‍ટ મેળવવા હકકદાર બનેલ તે વખતે મળવાપાત્ર ગ્રાન્‍ટની રકમ રૂા. ૭૧,૩૯,૬ર૮ હતી. આ વખતે ગ્રામ પંચાયતનોની સંખ્‍યામાં અને ગ્રાન્‍ટની રકમમાં વધારો થયો છે. વર્ષ-ર૦ર૪-રપ ની ઘરવેરાની ૮૦ ટકાથી વધુ વસુલાત બદલ ૧રપ ગ્રામ પંચાયતો વચ્‍ચે રૂા. ૧,૭પ,૬૪,૩૪૭ મળશે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકાની રર અને ગોંડલ તાલુકાની ર૧ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. પડધરી તાલુકાની પણ ર૧ ગ્રામ પંચાયતો છે. કંડોરણાની ૧૮, લોધિકાની ૧પ, ઉપલેટાની ૮, વીછીયાની ૪, કોટડાસાંગાણી તાલુકાની પ, ધોરાજીની ૯, જસદણ તાલુકાની ર ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. જેતપુર તાલુકાની એકપણ ગ્રામ પંચાયતને આ યોજનાનો લાભ મળ્‍યો નથી. જે ગ્રામ પંચાયતોને સરકારની પ્રોત્‍સાહક રકમ મળશે. તે ગામના વિકાસમાં વાપરી શકશે.  જિલ્લા પંચાયત દ્વારા ઘરવેરા વસુલાત ક્ષેત્રે શ્રેષ્‍ઠ કામગીરી કરનારી ગ્રામ પંચાયતોને સન્‍માનિત કરવાનું વિચારાય રહ્યું છે.

(12:04 PM IST)