News of Wednesday, 1st October 2025
નવાગામ રાણપુરમાં શેરીમાં રમી રહેલી ૧ાા વર્ષની જીયાંશીનું પડોશીની કારની ઠોકરે મોત
રૈયાભાઇ ઉર્ફે રવજીભાઇ કુરીયા અને સોનલબેન કુરીયાએ લાડકવાયી દિકરી ગુમાવતાં પરિવારમાં ગમગીનીઃ કુવાડવા રોડ પોલીસે કારચાલક રમેશ ધામેચા વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરમાં અને શહેરની ભાગળો અવાર-નવાર વાહન અકસ્માતના બનાવો બનતા રહે છે. જેમાં ઘણીવાર લોકોના મૃત્યુ પણ થાય છે. વધુ એક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં કુવાડવા રોડ પર નવાગામ રાણપુરમાં રહેતાં પરિવારની ૧ાા વર્ષની દિકરી ઘર બહાર શેરીમાં રમતી હતી ત્યારે પડોશી પોતાની કાર લઇને નીકળતાં આ બાળકી કારના આગલા વ્હીલની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં અને ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી. કુવાડવા રોડ પોલીસે નવાગામ રાણપણુરમાં રહેતાં રૈયાભાઇ ઉર્ફ રવજીભાઇ શીવભાઇ કુરીયા (ઉ.વ.૩૬)ની ફરિયાદ પરથી જીજે૦૨જેએલ-૧૧૧૬ નંબરની કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રૈયાભાઇ ઉર્ફ રવજીભાઇ કુરીયાએ જણાવ્યું છે કે હું પરિવાર સાથજે રહુ છું અને કુવાડવા રોડ પર ગુરૂદેવ પાર્કમાં પરાગભાઇના ચાંદીના કારખાનામાં નોકરી કરુ છું. મારી સાથે પત્નિ સોનલ રહે છે. સંતાનમાં એક દિકરો ૬ વર્ષનો વંશ છે અને એક દિકરી જીવાંશી ૧ાા વર્ષની હતી. ૨૯મીએ મંગળવારે બપોરે હું કુવાડવા રોડ પર મારા કામના સ્થળે હતો ત્યારે માતા કમુબેને મને ફોન કરી જાણ કરી હતી કે જીયાંશીને માથામાં લાગી ગયું છે અને કુવાડવા ગીરીરાજ હોસ્પિટલમાં તું જલ્દી આવજે. આથી હું તરત જ મોટરસાઇકલ લઇ ત્યાં પહોંચ્યો હતો.
જ્યાં મારી દિકરી જયાંશી બેભાન હાલતમાં હતી અને માથામાં ઇજા થયેલી હતી. મેં મારા માતાને આ બાબતે પુછતાં તેમણે કહેલું કે દિકરી ઘર બહાર શેરીમાં રમતી હતી ત્યારે પાડોશી રમેશભાઇ ધામેચા તેની કાર જીજે૦૩જેએલ-૧૧૧૬ લઇને નીકળ્યા હતાં. આ વખતે તેની કારના આગલા વ્હીલમાં જીયાંશી ભટકાતાં ઠોકર લાગતાં પડી ગઇ હતી અને માથામાં ઇજા થઇ હતી. આ દરમિયાન સારવાર ચાલુ હતી ત્યારે થોડીવાર બાદ મારી દિકરી મૃત્યુ પામ્યાનું ડોક્ટરે કહ્યું હતું. તેમ વધુમાં રૈયાભાઇ ઉર્ફ રવજીભાઇએ કહેતાં કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં હેડકોન્સ. એસ.આર. કુમારખાણીયાએ ગુનો નોંધી કારચાલક સામે કાર્યવાહી કરી હતી. લાડકવાયી દિકરીના મૃત્યુથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(2:22 PM IST)










