News of Wednesday, 1st October 2025
રાજકોટ જેલ ખાતે દિકરાને મળવા ગયેલી મહિલાને ટિકીટના ભાઇ અને ચિરાગ બકાલીની ખૂનની ધમકી
અગાઉ આ મહિલાએ માદક પદાર્થની બાતમી આપ્યાની શંકાએ અપહરણ કરાયું હતું: જેલના ગેઇટ પાસે બધા ભેગા થઇ જતાં ડખ્ખોઃ પ્ર.નગર પોલીસે ત્રણ સામે ગુનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧: શહેરની સેન્ટ્રલ જેલ ખાતે અવાર-નવાર કેદીઓ કે પછી પેરોલ પર છુટેલા કેદીઓ દ્વારા માથાકુટ થતી રહે છે. વધુ એક આવા બનાવમાં નામચીન રણજીત ઉર્ફ ટિકીટના નાના ભાઇ સહિત ત્રણ જણાએ જેલ ખાતે પોતાના દિકરાની મુલાકાતે આવેલી મહિલાને ગાળો દઇ ડીસમીસના ઘોદા મારી દેવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. આ મહિલાનું અગાઉ પણ તેણે એસઓજીને માદક પદાર્થની માહિતી આપી રણજીત ઉર્ફ ટિકીટને પકડાવી દીધાની શંકા કરી અપહરણ કરી પરાણે સોગંદનામામાં સહીઓ લઇ લેવાઇ હતી.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે આદિત્ય હાઉસીંગ સોસાયટી બ્લોક નં. એચ-૧૦૮માં રહેતાં મહિલાની ફરિયાદ પરથી બાબરીયા કોલોની આવાસ ક્વાર્ટરમાં રહેતાં દિનેશ ઉર્ફ બચુ અરવિંદભાઇ ગોહેલ ઉર્ફ ટિકીટ, ચિરાગ ઉર્ફ બકાલી રાજેશભાઇ મકવાણા અને શરદ દીલીપભાઇ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. મહિલાએ જણાવ્યું છે કે હું મારા પતિ ઇલ્યાસ કાદરભાઇ આરબીયાણી સાથે રહું છું. સંતાનમાં બે બાળકો છે જેમાં એક ૧૯ વર્ષનો છે અને બીજો ૧૧ વર્ષનો છે. ૨૯/૯ના મંગળવારે હું રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મારા ૧૯ વર્ષના દિકરાને મળવા માટે ગઇ હતી. દિકરાને જેલમાં મળીને બહાર આવતાં જ દિનેશ ઉર્ફ બચુ ગોહેલે મને કહેલું કે-આને બહાર નીકળવા દે પછી જોઇ લઇશું.
ત્યારપછી હું બહાર નીકળી ત્યારે ચિરાગ ઉર્ફ બકાલી રાજેશભાઇ મકવાણા અને શરદ દિલીપે મને ગાળો દીધી હતી અને કહેલું કે તને ડીસમીસના ઘોદા મારી પતાવી દેવી છે. બાદમાં માણસો ભેગા થઇ જતાં આ ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતાં. આ ત્રણેયએ કોઇપણ કારણવગર મને ગાળો દઇ ધમકી આપી હતી. જેથી મેં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં અફરોઝબેને કહેતાં પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં પીએસઆઇ જે. એન. ગમારાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસનીશ પીએસઆઇ જે. એન. ગમારાના જણાવ્યા અનુસાર અગાઉ આ મહિલાનું ચિરાગ બકાલી સહિતે અપહરણ કર્યુ હતું. જેમાં તેણીએ રણજીત ઉર્ફ ટિકીટની બાતમી આપી તેને માદક પદાર્થ સાથે પકડાવ્યાની શંકા કરી કોર્ટ ખાતે લઇ જઇ બળજબરીથી સોગંદનામામાં સહીઓ કરાવી લોવઇ હતી.
ચિરાગ ઉર્ફ બકાલી રીઢા ગુનેગારની છાપ ધરાવે છે. તેના વિરૂધ્ધ ભક્તિનગર, ડીસીબી પોલીમસાં મારામારી, દારૂ, હત્યાની કોીશષ સહિત ૧૩ ગુના નોંધાઇ ચુક્યા છે અને એક વખત પાસામાં પણ જઇ આવ્યો છે. ગત અઢારમીએ જ એલસીબી ઝોન-૨ ટીમે તેને મહિલાના અપહરણ, ધમકીના ગુનામાં પકડયો હતો. ત્યાં હવે તેણે અને રણજીત ટિકીટના ભાઇ સહિતની સાથે મળી વધુ એક વખત આ મહિલાને ધમકી આપી છે.
(2:24 PM IST)










