News of Wednesday, 1st October 2025
રૈયાધારમાં સાસરૂ ધરાવતી કાજલબેનનો આંબેડકરનગરમાં માવતરના ઘરે આપઘાત
ત્રણ વર્ષથી રિસામણે હતીઃ સાસરિયાના ત્રાસનો આક્ષેપ

રાજકોટ તા. ૧: રૈયાધારમાં સાસરૂ ધરાવતી અને હાલ ગોંડલ રોડ આંબેડકરનગરમાં ત્રણેક વર્ષથી માવતરના ઘરે રહેતી પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. સાસરીયા તરફથી ત્રાસ હોવાનો આક્ષેપ મૃતકના માવતર પક્ષે કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ હાલ ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગર-૧૧માં પિતા રસિકભાઇ જીવાભાઇ પરમારના ઘરે રહેતી કાજલબેન જયેશભાઇ મુછડીયા (ઉ.વ.૨૯) નામની પરિણીતાએ પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
આપઘાત કરનાર કાજલબેનના લગ્ન ચાર વર્ષ પહેલા રૈયાધારના જયેશભાઇ કાળુભાઇ મુછડીયા સાથે થયા હતાં. જો કે તેણી છેલ્લા ત્રણ વર્ષથી માવતરના ઘરે રિસામણે હતી. છેલ્લા એક મહિનાથી તેણીને છુટાછેડા માટે દબાણ થતું હતું. સાસરિયા પક્ષના લોકો નાની મોટી વાતે મેણા મારી તું બિમાર છો, તું ધુણે છે તેવું કહી હેરાન કરતાં હોવાનો આક્ષેપ માવતર પક્ષે કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેણીના પતિ ગેરેજમાં કામ કરે છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા, ધર્મેન્દ્રભાઇ હુદડે જાણ કરતાં માલવીયાનગરના પીએસઆઇ ગજેરાએ વધુ તપાસ હાથ ધરી હતી.
(2:39 PM IST)










