<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

સાડીના કારખાનામાં ભંગારના ડેલામાં અને કોસ્‍મેટીકના ગોડાઉનમાં ભીષણ આગ

ફાયર બ્રિગેડે ત્રણ અલગ-અલગ સ્‍થળે પહોંચી આગ બુજાવીઃ લાખોનું નુકશાન

રાજકોટ, તા., ૧ : શહેરના ભગવતી પરામાં સાડીના કારખાનામાં આજી ડેમ ચોકડી પાસે ભંગારના ડેલામાં અને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે આગ બુઝાવી હતી.

મળતી વિગત મુજબ ભગવતીપરા શેરી નં. ૧૭/રરના ખુણે આવેલા પિયુષ ટેક્ષટાઇલ નામના સાડી બનાવવાના કારખાનામાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ જાણ કરતા બેડીપરા ફાયર બ્રિગેડ સ્‍ટાફે એક ફાયર ફાયટર સાથે સ્‍થળ ઉપર પહોંચી આગ બુઝાવી હતી. આગ કારખાનામાં સાડી બનાવવા માટેના એક રૂમમાં લાગી હતી. જેમાં સાડી બનાવવા માટેનો કાચોમાલ, લાકડાની ીઝાઇન વાળી ડાય તથા ગેસના ચુલા અને પતરાનો શેડ બળી ગયો હતો. બનાવ બનતા કારખાનાના માલીક ઉમેશભાઇ આસરા દોડી આવ્‍યા હતા. આગ લાગતવાનું કારણ અને નુકશાની અંગે તપાસ થઇ રહી છે.

જયારે બીજા બનાવમાં આજીડેમ ચોકડી નજીક જૈન દેરાસર પાસે આવેલા ભંગારના ડેલામાં એકાએક આગ લાગતા ફાયરબ્રિગેડ સ્‍ટાફે એક ફાયરફાયટર સાથે સ્‍થળ પર પહોંચી આગ બુઝાવી હતી. આગમાં પ્‍લાસ્‍ટીક સહિતનો ભંગાર બળી ગયો હતો. ડેલામાં ગેસ કટરથી કટીંગ કરતી વખતે આગ લાગી હોવાનું ડેલાના માલીકે જણાવ્‍યું હતું.

જયારે ત્રીજા બનાવમાં ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે સૌરાષ્‍ટ્ર પેપર મીલમાં આવેલા માધવ માર્કેટીંગ નામના ગોડાઉનમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતા ગોડાઉનના માલીક જયેશભાઇ સ્‍થળ પર પહોંચી ફાયરબ્રિગેડમાં જાણ કરતા ફાયરબ્રિગેડના સ્‍ટેશન ઓફસર રહીમભાઇ જોબન તથા શબ્‍બીરભાઇ સહિત સ્‍ટાફ સાથે બે ફાયરફાટર સાથે સ્‍થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ બુજાવી હતી આગમાં કોસ્‍મેટીક ચીજવસ્‍તુના અલગ-અલગ બોક્ષ જેમાં નવરત્‍ન તેલ, બોટોપ્‍લસ, ફેસસ્‍કીન, ઓલઆઉટના બોક્ષ, વાસમોલ, વેસેલીન સોડા-નમકીનના બોક્ષ સહિતનો સામાન તેમજ ઇલેકટરીક વાયરીંગ અને પંખા બળી ગયા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્‍યું નથી. તેમાં અંદાજે ૭૦ લાખનું નુકશાન થયું હોવાનું ગોડાઉનમાં માલીકે જણાવ્‍યું હતું. 

(2:43 PM IST)