News of Thursday, 2nd October 2025
જિલ્લા પંચાયતની સામાન્ય સભા ૧૩મીએ ઘેલા સોમનાથમાં
ચૂંટણી નજીક દેખાતા બોર્ડ બેઠકમાં વિદાય સમારંભ જેવો માહોલઃ પ્રશ્નોતરીને સ્થાન નહિ જિલ્લા પંચાયત કચેરીની બહાર ‘ખાસ' સામાન્ય સભા યોજવાનો શાસકોનો નૂતન અભિગમઃ એક-બે દિ'માં એજન્ડા પ્રસિધ્ધ થશે.

રાજકોટ, તા. ૨: ભાજપ શાસિત રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા તારીખ ૧૩ ઓક્ટોબર રવિવાર સોમવારે ૧૧:૦૦ વાગે જસદણ પાસેના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મંદિર ખાતે બોલાવવાનું નક્કી થયું છે. તેનો સત્તાવાર એજન્ડા ટૂંક સમયમાં પ્રસિદ્ધ થઈ જશે .સામાન્ય રીતે સામાન્ય સભા પંચાયતના સભાખંડમાં મળતી હોય છે આ વખતે સામાન્ય ચૂંટણી પૂર્વેની સંભવત અંતિમ સામાન્ય સભા હોવાથી શાસકોએ રાજકોટ બહાર યોજવાનું નક્કી કર્યું છે ઘણા વર્ષોબાદ અને કદાચ પ્રથમ વખત સામાન્ય સભા રાજકોટ બહાર મળી રહી છે. સ્થળાંતરિત કચેરીના ખર્ચના વિવાદ પછી પ્રથમવાર સામાન્ય સભા આવી રહી છે. સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન સંજયભાઈ રંગાણી સભાળશે.
જિલ્લા પંચાયતની કારોબારી બેઠક તારીખ ૬ ઓક્ટોબરે સવારે પંચાયત કચેરીમાં મળનાર છે .અન્ય સમિતિઓની બેઠક પૂરી થઈ ગઈ છે. કારોબારી પછી તારીખ ૧૩મીએ સામાન્ય સભા મળશે. ખાસ સામાન્ય સભા બોલાવવાનું નક્કી થયું હોવાથી પ્રશ્નોત્તરીને સ્થાન રહેશે નહીં .ચૂંટણી વહેલી આવી જાય તો આ વખતની સામાન્ય સભા જ વર્તમાન શાસકોના કાર્યકાળની છેલ્લી સામાન્ય સભા બની રહેશે .પંચાયતમાં સામાન્ય રીતે દર ત્રણ મહિને સામાન્ય સભા બોલાવવાની પરંપરા છે. તે મુજબ આ વખતે દિવાળી પૂર્વે અઠવાડિયે તારીખ ૧૩ મીએ ઘેલા સોમનાથમાં સામાન્ય સભા મળશે છેલ્લે ૨૧ જુલાઈએ સામાન્ય સભા મળેલ .આ વખતે સામાન્ય સભા કચેરીની બહાર બોલાવવાનો નૂતન અભિગમ શાસકોએ અપનાવ્યો છે. (૩.૮)
(11:13 AM IST)










