News of Thursday, 2nd October 2025
ધોળકીયા સ્કૂલના ત્રણ છાત્ર ગાયબ થયા બાદ રાતે જૂનાગઢ બસ સ્ટેશનમાંથી હેમખેમ મળ્યા
ચાલુ વર્ગમાં ચોકલેટ ખાતા હોઇ શિક્ષીકાએ પ્રિન્સીપાલને વાત કરી વાલીને બોલાવવાનું કહેતાં ત્રણેય ઠપકાના ડરથી નીકળી ગયા હતાં: તાલુકા પીઆઇ ડી. એમ. હરીપરા અને ટીમે બાળકો શોધી આપ્યા

રાજકોટ તા. ૨: શહેરની કે. જી. ધોળકીયા સ્કૂલમાં અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થી ગઇકાલે ગૂમ થઇ જતાં દોડધામ મચી ગઇ હતી. વાલીઓમાં દેકારો મચી ગયો હતો અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. તાલુકા પોલીસની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવીને આધારે તપાસ થતાં બાળકો છેક જુનાગઢથી હેમખેમ મળી આવ્યા હતાં. આથી સોૈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્રણેય છાત્રો વર્ગમાં ચોકલેટ ખાતાં હોઇ તેના કારણે ઠપકો મળતાં અને શિક્ષક તેમને પ્રિન્સીપાલની ઓફિસમાં લઇ જતાં અને વાલીઓને બોલાવવાનું કહેતાં ત્રણેય ઠપકાના ડરથી નીકળી ગયા હતાં.
જાણવા મળ્યા મુજબ ગઇકાલે શાળા છુટવાના સમયે વાલીઓ પોતાના સતાનોને તેડવા આવ્યા હોઇ ત્રણ છાત્રો બહાર ન આવતાં આ ત્રણેયના વાલીઓ આકુળ વ્યાકુળ થઇ ગયા હતાં. સીસીટીવી કેમેરા ચેક કરતાં આ ત્રણેય છાત્રો ચાલુ શાળાએ બહાર જતાં દેખાયા હતાં. આ પછી વાલીઓએ પોલીસને લેખીત અરજી આપતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી. એમ. હરીપરા, પીએસઆઇ બી.આર. ભરવાડ અને ડી. સ્ટાફની ટીમ તેમજ એલસીબી ઝોન-૨ તેમજ ક્રાઇમ બ્રાંચની ટીમ પણ કામે લાગી હતી. એક તરફ વાલીઓએ શાળા ખાતે સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી તો એબીવીપીના કાર્યકરો પણ શાળા ખાતે પહોંચતા પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો. તાલુકા પોલીસની ટીમ સીસીટીવી ફુટેજ ચેક કરતાં પેગરૂ જુનાગઢ સુધી પહોંચ્યું હતું. આ ત્રણેય બાળકો જુનાગઢ એસટી બસ સ્ટેશનમાંથી મળી આવ્યા હતાં. ત્યાંથી બાળકોને પરત લાવાવમાં આવ્યા હતાં. જુનાગઢ એસટી ડેપોના સ્ટાફે ત્રણેયની પૃછા કરતાં રાજકોટથી આવ્યાનું કહ્યું હતું. સ્કૂલ ડ્રેસ પહેરેલા હોઇ જેથી ડેપો મેનેજર અને સ્ટાફે ત્રણેયને બેસાડી રાખી નાસ્તો કરાવ્યો હતો. ત્યાં તાલુકા પોલીસ પહોંચી હતી.
બાળકોની પોલીસે વાલીની હાજરીમાં પુછતાછ કરતાં કહ્યું હતું કે પોતે ચાલુ વર્ગમાં ચોકલેટ ખાતા હોઇ શિક્ષીકાએ ઠપકો આપી પ્રિન્સીપાલને વાત કરી હતી. બાદમાં વાલીઓને બોલાવવાનું કહેવાતાં વાલીઓ તરફથી ઠપકો મળશે તેવું લાગતાં ત્રણેય સાંજે ચારેક વાગ્યે શાળામાંથી નીકળી ગયા હતાં. રાતે સાડા નવેક તેઓ જુનાગઢ એસટી ડેપોમાં જોવા મળ્યા હતાં. તેના આધારે તાલુકા પોલીસ ત્યાં પહોંચી હતી અને ત્રણેયને રાજકોટ લાવી વાલીઓને સોંપ્યા હતાં. બાળકો હેમખેમ મળતાં વાલીઓ, શાળા સંચાલકો, શિક્ષકગણ અને પોલીસે રાહત અનુભવી હતી. (૧૪.૫)
(2:39 PM IST)










