<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

મિતાણા પાસે બાઇક સાથે ગાય અથડાતાં રાજકોટના મોબાઇલના વેપારી યુવરાજસિંહ સરવૈયાનું મોત

રૈયા ચોકડીએ શિવ મોબાઇલ નામે દૂકાન ચલાવતાં ૩૪ વર્ષિય વેપારી મોરબી-ટંકારા વેપારીઓને મળવા જતાં હતાં ત્‍યારે બનાવઃ ઘંટેશ્વર વર્ધમાનનગરના પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૪: રસ્‍તા પર ખુંટીયા, ગાય આડે ઉતરતાં અકસ્‍માત સર્જાવાની વધુ એક ઘટના બની છે. જેમાં રાજકોટ રહેતાં ચોત્રીસ વર્ષના યુવાનનું મૃત્‍યુ થયું છે. ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ પાસે રહેતાં આ યુવાન બાઇક હંકારી ટંકારા તરફ મોબાઇલના ધંધાર્થીઓને મળવા જઇ રહ્યા હતાં ત્‍યારે મિતાણા નજીક રોડ પર અચાનક ગાય ધસી આવતાં તેની સાથે બાઇક અથડાતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

જાણવા મળ્‍યા મુજબ જામનગર રોડ ઘંટેશ્વર એસઆરપી કેમ્‍પ નજીક વર્ધમાનનગરમાં  રહેતાં યુવરાજસિંહ અનિરૂધ્‍ધસિંહ સરવૈયા (ઉ.વ.૩૪) સાંજે સાડા આઠેક વાગ્‍યે પોતાનું હોન્‍ડા શાઇન મોટર સાઇકલ હંકારીને ટંકારા મોરબી તરફ જતાં હતાં ત્‍યારે મિતાણા ગામ નજીક અચાનક રોડ પર ગાય આવી ગઇ હતી અને બાઇક સાથે અથડાતાં યુવરાજસિંહ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ટંકારા હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, ધર્મેન્‍દ્રભાઇ ચાવડા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ હુદડે ટંકારા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર યુવરાજસિંહ બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. તે રૈયા રોડ રામાપીર ચોકડીએ શવી મોબાઇલ નામે મોબાઇલ ફોન લે-વેંચ, રીપેરીંગનું કામ કરતાં હતાં. ટંકારા, મોરબી તરફ મોબાઇલ ફોનના અન્‍ય ધંધાર્થીઓને કામ અર્થે મળવા જતી વખતે આ બનાવ બન્‍યો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી સરવૈયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. 

(10:47 AM IST)