<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th October 2025

મનપાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્‍લા એક માસથી અરજદારો હેરાન- પરેશાન

પદાધિકારીઓ તાયફાઓમાં વ્‍યસ્‍તઃ જન્‍મ પ્રમાણપત્રની નકલ કલરના બદલે બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ધાબડી દેવાઇ છે

રાજકોટ તા.૪: મહાનગરપાલિકાના જન્‍મ-મરણ વિભાગમાં છેલ્લા ૩૦ દિવસથી અરજદારો હેરાન પરેશાન જોવા મળી રહયા છે.  દાખલાઓ માટે કતારો જોવા મળી રહી છે. ત્‍યારે જ મરણ દાખલા માટે ઇ-મેઇલ આઇડી ઉપર મેસેજનો નિયમ ફરિજાયત બનાવાતા અરજદારોમાં રોષ જોવા મળી રહયો છે.

કેન્‍દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નવા પોર્ટલ ઉપર ડેટા અપલોડ ન થતા દાખલાઓ નીકળતા નથી ૨૦૨૦ પછીની એન્‍ટ્રી થઇ શકતી હોય ૨૦૨૦ પહેલાના તમામ ડેટાઓ રાજ્‍ય સરકારના પોર્ટલ મારફતે ઉપલબ્‍ધ કરાવામાં આવતા હતા. તેમા પણ સુધારા વધારા ન થતાં અંતે તંત્રએ મનપાએ બનાવેલા જૂના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી હવે કેન્‍દ્ર સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૫ પછીના તથા રાજ્‍ય સરકારના પોર્ટલ ઉપર ૨૦૨૦ પહેલા અને સુધારા વધારા માટેના મહાનગરપાલિકાના પોર્ટલ ઉપર કામગીરી શરૂ કરી છે. જેના માટે અરજદારોને સપ્તાહમાં બે-બે દિવસનો સમય ફાળવી વારા કાઢવામાં આવી રહ્યા છે. છતાં રોજે રોજે આવતા નવા નિયમોના કારણે અજરદારો રોજેરોજે કચેરીઓમાં ધક્કા ખાઇ રહ્યા છે અને શાસક પક્ષના પદાધિકારીઓ તાયફાઓમાં વ્‍યસ્‍ત છે. ત્‍યારે પ્રજા લાચાર બની તંત્રનો તમાશો જોઇ રહી.

જન્‍મ-મરણ વિભાગમાં વર્ષોથી મનપાએ બનાવેલ પોર્ટલ ઉપર કામગીરી થતી હતી. ત્‍યારબાદ રાજ્‍ય સરકાર દ્વારા નવુ પોર્ટલ તૈયારી કરી તમામ પાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં આ પોર્ટલને કાર્યરત કરવાની સૂચના આપવામાં આવેલ જેના લીધે મનપાના પોર્ટલનો તમામ ડેટા રાજ્‍ય સરકારના પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્‍યો અને કામગીરી સરફળતાથી ચાલતી હતી. ત્‍યારે કેન્‍દ્ર સરકારે નવો સીઆરએસ પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલ પર જન્‍મ-મરણ વિભાગની કામગીરી કરવાના આદેશ આપ્‍યા હતા. તા.૧સપ્‍ટેમ્‍બરથી આ પોર્ટલ કાર્યરત થયેલ પરંતુ ૨૦૨૦ પહેલાનો તમામ ડેટા આ પોર્ટલ ઉપર અપલોડ ન થતા જન્‍મ-મરણ વિભાગમાં અરજદારોની લાઇનો લાગતા તંત્રએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરેલ છતાં ૩૦ દિવસથી જન્‍મ-મરણ વિભાગમાં આંધાધુંધી માહોલ જોવા મળી રહ્યો હતો. આથી સરકારે રાજકોટ સહિતની મહાનગરપાલિકાઓને રાજ્‍ય સરકારે શરૂ કરેલ જૂનુ પોર્ટલ એચવીઇ શરૂ કરવાની સૂચના આપી હતી. જેના લીધે મહાનગરપાલિકાએ હવે ત્રણેય પોર્ટલ પર બે-બે દિવસ કામગીરી થઇ શકે તેવુ ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્‍યુ છે. છતાં સપ્‍ટેમ્‍બર માસ બાદના તમામ જન્‍મ-મરણના ડેટા અપડેટ ન થતા અરજદારોની લાઇનો આજે પણ યથાવત જોવા મળી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્‍દ્ર સરકારના નવા સોફટવેરમાં અરજદારોમાં ઇમેલનો ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ ઇમેલ મારફતે સર્ટીફીકેટ મેઇલ કરવામાં આવતા હોય ત્‍યારે સ્‍થાનિક કક્ષાએ વ્‍હાઇટ કોપી બંધ કરવામાં આવી હતી.(૨.૩૫)

(4:16 PM IST)