News of Saturday, 4th October 2025
અરવિંદભાઇ મણીઆરના જન્મદિન નિમિતે સોમવારે ગમતાનો ગુલાલ કાર્યક્રમઃ આમીર અને ઓસમાણ મીર સુરીલી સફર કરાવશે

રાજકોટઃ શહેરના વિકાસના સ્વપ્ન દ્રષ્ટા અને શહેરના ચૂંટાયેલા પ્રથમ મેયર અરવિંદભાઈ મણીઆરના જન્મદિવસ નિમિત્તે તેમની સ્મળતિમાં રચાયેલા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે છેલ્લા ૪૦ વર્ષથી દર વર્ષે આ દિવસની સંગીતમય સૂરીલા કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવે છે. ચાલુ વર્ષે તા. ૬ ને સોમવારે ગુજરાતી ગીત સંગીતના ઉભરતા ચહેરા આમીર ઓસમાણ મીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ઓસમાણ મીર પણ સંગત કરશે.
ગમતાનો ગુલાલ શીર્ષક અંતર્ગત યોજાનાર આ કાર્યક્રમમાં તેમની કલા રાજકોટના નાગરિકોને માણવા મળશે. તે આમીર મીરે ‘સમંદર' અને ‘ઓમ મંગલમ' ફિલ્મમાં પ્લેબેક મ્યુઝિક આપ્યું છે તેમના હિન્દી ખઆલ્બમો પણ બજારમાં ઉપલબ્ધ છે. વિશ્વના ઘણા દેશોમાં આમીર મીરે પોતાની કલા પ્રસ્તુત કરી છે.
લોક ભોગ્ય ગીતોનો કાર્યક્રમ તા. ૬ ને સોમવારે રાત્રે ૯ વાગ્યાથી હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે યોજાનાર છે. કાર્યક્રમના પ્રમુખ સ્થાને અરવિંદભાઈના સાથીદાર અને પૂર્વ રાજ્યપાલ(કર્ણાટક) વજુભાઈ વાળા રહેશે.
મુખ્ય મહેમાન તરીકે પરષોત્તમભાઈ રૂપાલા (સાંસદ), રામભાઇ મોકરીયા (સાંસદ), ડો.દર્શિતાબેન શાહ (ધારાસભ્ય) અને રમેશભાઈ ટીલાળા (ધારાસભ્ય) અતિથિ વિશેષ તરીકે શ્રીમતી નયનાબેન પેઢડીયા (મેયર) ગોવિંદભાઈ પટેલ (ભુતપૂર્વ મંત્રી), તુષારભાઈ સુમેરા (રાજકોટ મ્યુનિસિપલ કમિશનર) ઉપસ્થિત રહેશે.
ઉમેશભાઈ રાજ્યગુરુ, ચનાભાઈ ગોહેલ અને વિનોદભાઈ પરમારનું શાલ, સૂત્રમાલા, મોમેન્ટો અને પુસ્તક આપી સન્માન કરવામાં આવશે. ઉપરોકત કાર્યક્રમ નગરજનોને માણવા માટે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઈ કથીરિયા, ટ્રસ્ટી શ્રીમતી હંસિકાબેન મણીઆર, જ્યોતિન્દ્રભાઈ મહેતા, શીવુભાઈ દવે, મહાસુખભાઈ શાહ, રાજુભાઈ ધ્રુવ, કલ્પકભાઈ મણીઆરે નિમંત્રણ પાઠવ્યું છે. ઉપરાંત પ્રોજેક્ટ ઇન્ચાર્જ તરીકે નિલેશભાઈ શાહ, કમલેશભાઈ મહેતા અને ટ્રસ્ટની સમગ્ર ટીમ કાર્યરત છે. કાર્યક્રમમાં પ્રવેશ નિઃશુલ્ક છે. પહેલી પાંચ રો છોડીને વહેલાં તે પહેલાંના ધોરણે પ્રવેશ આપવામાં આવશે તેમ યાદીના અંતમાં જણાવાયું છે.
શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટની યુટયુબ પર લાઇવ માણી શકાશે.(૬.૧પ)
(4:06 PM IST)










