<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

માઉન્ટેન ડ્યૂ સોફ્ટ ડ્રિંક્સની બોટલમાંથી મસમોટી મૃત ગરોળી નીકળતા ખળભળાટ

રાજકોટમાં સોફ્ટ ડ્રિંક બનાવતી આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સીની મોટી બેદરકારી સામે આવતા ગંભીર સવાલો ઊભા થયા

રાજકોટમાં સોફ્ટ ડ્રિંક બનાવતી આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સીની મોટી બેદરકારી સામે આવતા ખાદ્ય સુરક્ષા (ફૂડ સેફ્ટી) અને ગુણવત્તા નિયંત્રણની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. રાજકોટના એક ગ્રાહકે ખરીદેલી માઉન્ટેન ડ્યૂ સોફ્ટ ડ્રિંક્સની બોટલમાંથી મસમોટી મૃત ગરોળી નીકળવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, ગ્રાહકે આ માઉન્ટેન ડ્યૂની બોટલ પીવા માટે ખોલી ત્યારે તેમની નજર બોટલની અંદર પડી. બોટલની અંદર એક મૃત ગરોળી દેખાતા ગ્રાહકને આઘાત લાગ્યો હતો અને સમગ્ર મામલે ભારે ખળભળાટ મચી ગયો હતો.

આ બનાવ સીધો જ પેપ્સી જેવી નામાંકિત કંપનીના ઉત્પાદન અને પેકેજિંગ પ્રક્રિયાની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે. ઠંડા પીણાની બોટલમાં જીવજંતુ નીકળવાની આ ઘટના કંપનીની બેફામ બેદરકારી દર્શાવે છે, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે.

મોટી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમના ઉત્પાદનોમાં ઉચ્ચતમ ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવાનો દાવો કરતી હોય છે, ત્યારે આ ઘટના ક્વોલિટી કંટ્રોલ (ગુણવત્તા નિયંત્રણ) ની વ્યવસ્થાની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે. સોફ્ટ ડ્રિંક્સના ઉત્પાદનમાં ગરોળી જેવું જીવલેણ તત્વ કેવી રીતે બોટલ સુધી પહોંચ્યું તે તપાસનો વિષય છે.

આ "જીવલેણ" બેદરકારીના કારણે કંપની સામે ગ્રાહક સુરક્ષા અને ફૂડ સેફ્ટીના નિયમો હેઠળ પગલાં લેવાની માંગ ઉઠી છે. ગ્રાહકે આ મામલે સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા છે. આ બનાવથી અન્ય ગ્રાહકોમાં પણ સોફ્ટ ડ્રિંક્સ પીવા સામે ભય અને અવિશ્વાસની લાગણી ફેલાઈ છે.

(5:09 PM IST)