News of Monday, 6th October 2025
કેન્સર સામે લોકોમાં અવેરનેસ લાવવા ઔદ્યોગીક એકમો અને સરકારી અર્ધસરકારી કચેરીઓ સાથે એમઓયુ કરાશે
કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા નવતર અભિયાન : વર્ષ દરમિયાન શ્રેષ્ઠતા પુરવાર કરનારને એવોર્ડ આપી સન્માનિત કરાશે : આવા એમઓયુ કરનાર એકમોએ પોતાના કર્મચારીઓને કામના સ્થળે તમાકુ, પાન, ફાકી, માવા, સિગારેટ જેવી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધનું પાલન કરાવવાનું રહેશે.

રાજકોટ તા. ૬ : કેન્સરની ટ્રીટમેન્ટ થયા પછી શું કાળજી રાખવી તે અંગે અવેરનેસનું કામ કરતી સંસ્થા કેન્સર કેર ફાઉન્ડેશન રાજકોટ દ્વારા હવે કોર્પોરેટ કંપની અને સરકારી અર્ધ સરકારી કચેરીઓ સાથે કેન્સર અવેરનેશ અંગે એમ.ઓ.યુ. પ્રોજેકટ હાથ ધરાયો છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા કેન્સર કેર ફાઉન્ડેશનના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ એમ.ઓ.યુ. પ્રોજેકટને ૯૨૬ નામ અપાયુ છે. જેમાં એમ.ઓ.યુ. કરનાર એકમોએ સત્તાવાર રીતે પોતાની કંપની કે ઓફીસ બહાર કેન્સર કેર ફાઉન્ડેશન સાથે જોડાયેલા હોવાનું બેનર લગાવવાનું રહેશે. તેમજ પોતાના કર્મચારીઓને સવારે ૯ થી સાંજે ૬ સુધી ઓફીસમાં કે ગોડાઉન કે કાર્યક્ષેત્રની અંદર તમાકુ, પાન, ફાકી, માવા, સિગારેટ જેવી વસ્તુઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવાનો રહેશે.
કેન્સર કેર ફાઉન્ડેશનની ટીમ વર્ષમાં કોઇપણ સમયે ત્રણ વખત સંસ્થાની સરપ્રાઇઝ મુલાકાત કરશે. આ ત્રણે ત્રણ મુલાકાતમાં જે તે કંપની કે સંસ્થા સંપુર્ણ વ્યસન મુક્તિના નિયમોના પાલનમાં હેમખેમ પાર ઉતરશે તો વર્લ્ડ કેન્સર ડે દિવસે જાહેર પ્રોગ્રામમાં એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માન કરવામાં આવશે.
આ રીતે વ્યસન મુકત જાહેર થયેલ કંપની કે સંસ્થાઓને શહેરના પ્રતિષ્ઠિત અખબારો અને ટીવીમાં જાહેર ખબરરૂપે પ્રસિધ્ધિ પણ અપાવાશે.
આ એમ.ઓ.યુ.માં સરકારી, બીન સરકારી, ખાનગી કંપની, કારખાના, ઓફીસ, કોર્પોરેટ હાઉસ કોઇપણ જોડાઇ શકશે.
અત્યાર સુધીમાં મસ્કત પોલીમર્સ સહીતની કંપનીઓ એમ.ઓ.યુ. માટે આગળ આવી ચુકી છે. લોકોને કેન્સરની બચાવી લેવાના આ અભિયાનમાં વધુને વધુ સંસ્થા એકમોને જોડવા અનુરોધ કરાયો છે.
વધુ માહિતી માટે કેન્સર કેર ફાઉન્ડેશન, ૫૦૬, ધન રજની કોમ્પલેક્ષ, અશ્વિન સોલંકી ફાઉન્ડર (મો.૯૮૨૪૮ ૧૦૦૩૬)નો સંપર્ક કરવા જણાવાયુ છે. (તસ્વીર : અભિજીત બગથરીયા) (૧૬.૨)
(3:40 PM IST)










