News of Tuesday, 7th October 2025
ચોરી-લૂંટ-ચિલઝડપના ૧૯ ગુનામાં સામેલ આકાશ ઉર્ફ મરચો ગાંજા સાથે ઝડપાયો
ચોટીલાથી ગાંજો લાવી વેંચે એ પહેલા એસઓજીએ પકડયો પીઆઇ સંજયસિંહ જાડેજાની ટીમે મનહરપરાના શખ્સને દિગ્વીજયસિંહ જાડેજા અને હાર્દિકસિંહ પરમારની બાતમીને આધારે ભાવનગર રોડ પરથી પકડયો

રાજકોટ તા. ૭: શહેરના ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાસે મનહરપરા-૭માં રહેતાં અને અગાઉ ચોરીઓ, ચિલઝડપ, લૂંટ અને માદક પદાર્થના બે સહિત ૧૯ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન આકાશ ઉર્ફ મરચો હરિભાઇ બાબરીયા (ઉ.વ.૨૮)ને શહેર એસઓજીએ ભાવનગર રોડ પરથી રૂા. ૨૫૭૦૦ના ૨.૫૭૦ કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપી લેવાયો છે. પોતે આ ગાંજો ચોટીલાના શખ્સ પાસેથી વેંચવા માટે લાવ્યાનું રટણ કર્યુ હોઇ વિશેષ તપાસ થોરાળા પોલીસે હાથ ધરી છે.
શહેર એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. દિગ્વીજયસિંહ જાડેજા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારને બાતમી મળતાં આકાશ ઉર્ફ મરચોને ગાંજા સાથે ઝડપી લેવાયો હતો. તેની પાસેથી ગાંજો, મોબાઇલ ફોન, વજન કાંટો મળી રૂા. ૩૧૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે. આ શખ્સ અગાઉ ચિલઝડપ, લૂંટ, માદક પદાર્થના બે મળી ૧૯ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. હવે તે માદક પદાર્થ વેંચવાના રવાડે ચડી ગયો છે. ચોટીલાથી આ ગાંજો લાવ્યાનું રટણ તેણે કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોઝભાઇ રાઠોડ, હેડકોન્સ. મોૈલિકભાઇ સાવલીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, કોન્સ. મોનાબેન બુસા, ડ્રા.કોન્સ. મહાવીરસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(4:08 PM IST)










