<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

બાળકોને ક્રિકેટ નહિ રમવા દે તો સોસાયટીમાં રહેવા નહિ દઇએ...વૃધ્‍ધને બેટથી માર મારવાનો પ્રયાસઃ ખૂનની ધમકી

૧૫૦ રીંગ રોડ અયોધ્‍યા ચોક સિધ્‍ધી વિનાયક પાર્કમાં બનાવ : અવાર-નવાર છોકરા દડા ઘરમાં આવવા દઇ નુકસાની કરતાં હોઇ સિનીયર સિટીઝન પ્રવિણભાઇ નાગ્રેચાએ ફરિયાદ કરતાં બાળકોના વાલીઓ અમરજીત માન, સિધ્‍ધાર્થ રાણા મારવા દોડયાઃ અમરજીતના પત્‍નિએ ધમકી દઇ કહ્યું-તું બહાર નીકળીશ તો જીવતો નહિ રહેવા દઉં: યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૮: શહેરના દોઢસો ફુટ રીંગ રોડ અયોધ્‍યા ચોકમાં સિધ્‍ધી વિનાયક પાર્કમાં રહેતાં સિનીયર સીટીઝને પોતાના ઘર પાસે ક્રિકેટ રમી રહેલા પડોશીઓના છોકરાઓ અવાર-નવાર દડા ઘરમાં આવવા દઇ નુકસાન કરતાં હોઇ તેને ઘરથી દૂર રમવાનું કહેતાં અને આ બાળકોના વાલીઓને ફરિયાદ કરવા જતાં બે બાળકોના વાલીએ બેટ લઇ મારવા દોડી અહિ બાળકોને રમવા નહિ દે તો તને રહેવા નહિ દઇએ તેમ કહી તેમજ એક મહિલાએ પણ જો તું બહાર નીકળીશ તો જીવતો નહિ રહેવા દઉં તેવી ધમકી આપતાં ગભરાઇ ગયેલા આ વૃધ્‍ધે પોલીસને જાણ કરી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૧૫૦ રીંગ રોડ અયોધ્‍યા ચોકમાં સિધ્‍ધી વિનાયક પાર્ક બ્‍લોક નં. ૨૮ ખાતે રહેતાં પ્રવિણભાઇ જયંતિભાઇ નાગ્રેચા (ઉ.વ.૬૧)ની ફરિયાદ પરથી તેમના પડોશમાં જ સિધ્‍ધી વિનાયક પાર્ક શેરી નં. ૬માં રહેતાં અમરજીત કમલભાઇ માન, તેના પત્‍નિ અને સિધ્‍ધાર્થ મનોજભાઇ રાણા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. પ્રવિણભાઇ નાગ્રેચા નિવૃત જીવન જીવે છે. તેમણે જણાવ્‍યું હતું કે હું પરિવાર સાથે  રહુ છું અને જીએમઆર એનર્જી કંપની ચંદ્રાપુર મહારાષ્‍ટ્ર ખાતે મેનેજર હતો તેમાંથી નિવૃત થયો છુ. તા. ૫ના સાંજે છએક વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે પડોશીના છોકરાઓ ક્રિકેટ રમતાં હોઇ દડા વારંવાર કમ્‍પાઉન્‍ડમાં આવતાં હોઇ અને ઘરમાં પણ નુકસાન થયું હોઇ આ બાળકોના માતા-પિતાને મેં અગાઉ સમજાવ્‍યા હતાં કે બાળકો થોડા દુર ક્રિકેટ રમે. ફરીથી આ બાળકો ઘર પાસે ક્રિકેટ રમી રહ્યા હોઇ જેથી હું બાળકોના વાલીઓને આ બાબતે કહેવા જતાં અમરજીત કમલભાઇ માન પાસે ક્રિકેટ બેટ હોઇ તે લઇ મને મારવા દોડયા હતાં.

તેમજ મારા ઘરની સામે રહેતાં સિધ્‍ધાર્થ રાણા પણ મને બેટ લઇ મારવા દોડયા હતાં અને ગાળ દીધી હતી. તેમજ કેમ અમારા છોકરાઓને ક્રિકેટ રમવા દેતા નથી, તમારે અહિ રહેવું હોય તો છોકરાઓને અહિ રમવા જ દેવા પડશે, જો નહિ રમવા દો તો સોસાયટીમાં રહેવા નહિ દઇએ તેમ કહી ધમકી દીધી હતી. આ વખતે અમરજીતના પત્‍નિ આવી ગયેલા અને તેણે પણ મને જેમફાવે તેમ ગાળો દીધી હતી અને હવે તું બહાર નીકળીશ તો જીવતો નહિ રહેવા દઉ તને મારી નાંખીશ તેમ કહી ધમકી આપી હતી. આથી હું ગભરાઇ જતાં ૧૧૨માં ફોન કર્યો હતો. શરૂઆતમાં અરજી આપ્‍યા બાદ મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં પ્રવિણભાઇ નાગ્રેચાએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં પીએસઆઇ સી. પી. રાઠોડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:24 PM IST)