News of Wednesday, 8th October 2025
વેઇટર તરીકે કામ કરતાં ગવરીદળના મુકેશ વસનાણીને ૮૬ હજારના એમડી ડ્રગ્સ સાથે એસઓજીએ પકડયો
જંગલેશ્વરના શખ્સ પાસેથી લાવી પોતે નશો કરે છે અને વેંચે પણ છેઃ પીઆઇ એસ. એમ. જાડેજાપ પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા સહિતની ટીમની કામગીરી બાતમી

હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાની બાતમી પરથી ઝડપી લેવાયેલો શખ્સ અને એસઓજી ટીમ
રાજકોટ તા. ૮: શહેર એસઓજીએ માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક વખત પર્દાફાશ કર્યો છે. હાલ મોરબી રોડના ગવરીદળમાં રહી હોટેલમાં વેઇટર તરીકે નોકરી કરતાં શખ્સને રાજકોટ ગોંડલ બાયપાસ નેશનલ હાઇવે પર ગુરવરદ એપાર્ટમેન્ટ નજીક જોગમાયા સર્વિસ સ્ટેશન પાસેથી એમડી ડ્રગ્સ સાથે પકડી લેવાયો છે. આ શખ્સ પોતે પણ નશો કરવાનો બંધાણી છે અને પડીકી બનાવી વેંચાણ પણ કરે છે. જંગલેશ્વરના શખ્સ પાસેથી પદાર્થ લાવ્યાનું રટણ કરતો હોઇ સાચી વિગતો ઓકાવવા થોરાળા પોલીસે તેની રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ શહેરમાંથી ડ્રગ્સનું દૂષણ દુર કરવા એસઓજી દ્વારા ‘સે નો ટુ ડ્રગ્સ' ઝુંબેશ ચલાવવામાં આવે છે. આ અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ગોંડલ રોડ પરથી મુકેશ સુજ્ઞામલ વસનાણી (ઉ.વ.૪૫-રહે. મુળ રિધ્ધી સિધ્ધી સોસાયટી-૪, દૂધ સાગર રોડ, હાલ ગવરીદળ, મોરબી રોડ)ને રૂા. ૮૬,૩૦૦ના ૮.૬૩ ગ્રામ ડ્રગ્સ સાથે પકડી લઇ તેની પાસેથી ૫ હજારનો મોબાઇલ ફોન પણ કબ્જે કર્યો હતો.પ્રાથમિક પુછતાછમાં મુકેશે એવુ રટણ કર્યુ હતું કે પોતે ડ્રગ્સનો નશો કરવાની આદત ધરાવે છે. તે જંગલેશ્વરના શખ્સ પાસેથી આ એમડી લાવ્યો હતો. નશાનો ખર્ચો કાઢવા પોતે પડીકી બનાવી બબ્બે હજારમાં બંધાણીઓને વેંચતો પણ હોવાનું રટણ કર્યુ હતું. સાચી હકિકત બહાર લાવવા આગળની તપાસ થોરાળા પોલીસ તેના રિમાન્ડ મેળવ્યા બાદ કરશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ અરૂણભાઇ બાંભણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, રાજેશભાઇ બાળા, હેડકોન્સ. ઉપેન્દ્રસિંહ ઝાલા, હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, સિધ્ધરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચોૈહાણ, મહાવીરસિંહ ઝાલા, કોન્સ. અનોપસિંહ ઝાલા, વિરભદ્રસિંહ ગોહિલ, ધ્રુવરાજસિંહ ગોહિલ, મોનાબેન બુસા, ડ્રા.કોન્સ. નરપતસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. ઝડપાયેલો પદાર્થ એમડી છે તેનું પ્રાથમિક પરિક્ષણ એફએસએલ અધિકારી કે. એમ. તાવીયાએ કર્યુ હતું.
(2:32 PM IST)










