News of Thursday, 9th October 2025
મહિલા પોલીસ સ્ટેશન બહાર વહેલી સવારે ગુડ્ડુબેનની આંખમાં પતિ અજયે સ્પ્રે છાંટયો
હાલ ભીલવાસમાં માવતરે રહેતી પરિણીતાને પતિએ રાતભર ફોન કરી ધમકી દીધીઃ ફરિયાદ નોંધાવવા જતી હતી ત્યાં ટુવ્હીલર પર આવી માથાકુટ કરી ભાગી ગયો

રાજકોટ તા. ૯: શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોકમાં સાસરૂ ધરાવતી અને હાલ પાંચેક મહિનાથી ભીલવાસમાં માવતરે રિસામણે આવેલી ગુડ્ડુબેન અજય રંગપરા (ઉ.વ.૨૫) નામની પરિણીતા સવારે પાંચેક વાગ્યે રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ સ્ટેશનન નજીક હતી ત્યારે તેના પતિ અજય અને બે અજાણ્યા શખ્સોએ આવી ઝઘડો કર્યા બાદ પતિએ બળતરા થાય તેવો સ્પ્રે છાંટી દઇ ભાગી જતાં તેણીને સારવાર માટે ખસેડાઇ હતી. ગુડ્ડુબેન સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ સહિતે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી. ગુડ્ડુબેને જણાવ્યું હતું કે મારા લગ્ન ત્રણ વર્ષ પહેલા અજય રંગપરા સાથે થયા છે. હાલમાં મારો પતિ કંઇ કામધંધો કરતો નથી. તે સતત ઝઘડા કરતો હોઇ પાંચેક મહિનાથી હું ભીલવાસમાં મારા માવતરના ઘરે રહુ છું. રાતે પતિએ મને ફોન કરી ગાળો દઇ ધમકી આપવાનું ચાલુ કર્યુ હતું. વહેલી સવાર સુધી તે માથાકુટ કરતો હોઇ હું તથા મારો ભાઇ ભાવેશ અને ભાઇના મિત્રો ફરિયાદ કરવા માટે રિક્ષા મારફત મહિલા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતાં. આ વખતે પતિ પણ તેના બે મિત્રોને લઇને ટુવ્હીલરમાં આવ્યો હતો અને ઝઘડો કરી ગાળો દઇ મારી આંખમાં સ્પ્રે છાંટી ભાગી ગયો હતો. બાદમાં મને મારા ભાઇ અને તેના મિત્રોએ હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
(2:53 PM IST)










