News of Friday, 10th October 2025
પૂર્વ વડાપ્રધાન ચોધરી ચરણસિંહનું અચાનક રાજકોટ રોકાણ થતા રાજકોટ મહાનગરપાલિકાના બે ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ટેસ્ટીંગ કરાવાયેલ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાજકોટમાં રોટલા, ઉંધીયું, ભાખરી જેવા સ્વાદ માણ્યા ત્યારે ચાલો મહાનુભાવોના સૌરાષ્ટ્ર અને રાજકોટની મુલાકાતના ભોજન અને પ્રોટોકોલની વાતો વાગોળીએ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્ટ્રપતિ હતા ત્યારે અઠવાડિયામાં ત્રણ વખત રાષ્ટ્રપતિ ભવનમાં મગની દાળની ખીચડી બનતી હતી દ્વારકા ઓખાના ભાજપના પ્રભારી અને સ્વ.મોરારજીભાઈ દેસાઈના પર્સનલ ઓફિસર રહી ચૂકેલા પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવીદ બિહાર ગવર્નર હતા, ત્યારે સ્વ મનસુખભાઈ બારાઈ સાથે ખમણ ઢોકળા, ગાંઠિયાની લિજ્જત માણતા હતા

રાજકોટ, તા.૧૦: સૌરાષ્ટ્રના ધાર્મિક અને વન્ય જીવન ધરાવતા પ્રદેશની મુલાકાત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત અંતર્ગત ગઈ કાલે રાજકોટમાં રાત્રિ રોકાણ કર્યું, અને આજે જ્યોર્તિલિંગમાં જેનો સમાવેશ છે તેવા ભગવાન સોમનાથ મહાદેવના ચરણોમોં પોતાનું શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કરવા સહિત આગળ પ્રવાસ કરવાના છે.
પ્રોટોકોલ મુજબ રાષ્ટ્રપતિ માટે તેમના ભોજનની વ્યવસ્થા રાષ્ટ્રપતિ ભવનના રસોઈયાની દેખરેખ નીચે થતી હોય છે, નિયમ મુજબ પ્રવાસ દરમિયાન તેમની રસોઈ પ્રથમ ટેસ્ટ ફુડ ડ્રગ્સ વિભાગના નિયત અધિયારીઓ ટેસ્ટિંગ કરી લ્યે, ત્યારબાદ થોડીવાર રાહ જોયા પછી રાષ્ટ્રપતિ અને પરિવારને ભોજન પીરસવામાં આવે છે.
મોરારજીભાઈનાં વડપણ હેઠળની જનતા મોરચાની સરકારને ઉથલાવી ચોધરી ચરણસિંહ વડા પ્રધાન બનેલ. એ સમયે આ નિખાલસ વ્યક્તિ એવું બોલેલ કે હાશ મારા જીવનનું મોટું સ્વપ્નું અર્થાત્ વડા પ્રધાન બનવાનું પૂરું થયું. પણ આજે આપણે વડા પ્રધાન ચોધરી ચરણસિંહની સૌરાષ્ટ્ર યાત્રા અને રાજકોટ સર્કિટ હાઉસ ખાતેની મુલાકાત વખતની વાત કરવી છે.
એ સમયે આતંકવાદ જેવી કોઈ સમસ્યા કે બીજા કોઈ પ્રોટોકોલ ચુસ્ત ન હતા એવા સમયે ચોધરી ચરણસિંહનો રાજકોટ ભોજન કાર્યક્રમ નક્કી થયો. ગમે તે બન્યું ફૂડ વિભાગના અધિકારીઓ કે જે ખોરાક ચકાસણી કરી ટેસ્ટ કરતા હતા તે આ અણધાર્યા કાર્યક્રમથી વાકેફ હોય કે બીજૂ કાઈ, ચોધરી ચરણસિંહને ભોજન પીરસતા પહેલા રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ફુડ ઇન્સ્પેક્ટર શ્રી ટાંક ભાઈ અને શ્રી. જોષી ભાઈ પાસે ચકાસણી કરાવેલ.
મૂળ ઓરિસ્સાના વતની અને પૂર્વ રાજયપાલ એવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્કિટ હાઉસમા કાઠિયાવાડી ભોજન ઉંધીયું, બાજરાના રોટલા, દૂધી ચણાનું શાક, ફાફડા ગાંઠિયા, ઇડલી ઢોસા જેવા સ્વાદ ચાખ્યા. બહુ ઓછા લોકોને જાણ હશે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઘણા પારંપરિક ભોજન વખતે રાષ્ટ્રના વડા હોવા છતાં નીચે બેસી ભોજન લયે છે.
એ જાણીને નવાઈ લાગશે કે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મગનીદાળની ખીચડી તેમની ફેવરિટ પસંદ. તેવો રાષ્ટ્રપતિ ભવનમાં એક અઠવાડીયામા ત્રણ વખત પોતાના માટે ખિચડી ત્યાંર કરાવતા. દ્વારકા ઓખાના ભારતીય જનતા પક્ષના પ્રભારી રહી ચૂકેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરી દ્વારકા આવતા તેવા સમયે તેમના અંગત મિત્ર દ્વારકા ઓખાના ધાર્મિક, સામાજિક અને રાજકીય આગેવાન સ્વ.મનસુખભાઈ બારાઇ સાથે ગોવર્ધન રિસોર્ટમાં નાસ્તામાં ખમણ, ગાંઠિયા, ઈડલી જેવો નાસ્તો કરી, નાળિયેર પાણી પસંદ કરતા, તેવો યજમાન જે પીરસે તે રાજ્યપાલ હતા ત્યાં સુધી જમી લેતા. (રર.૧૪)
લેખન સંકલનઃ જગદીશભાઈ ગણાત્રા

(2:16 PM IST)










