<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

ફાળદંગમાં ગ્રામ પંચાયતના કર્મચારીને મનુબેન, બે દિકરા સહિતે માર માર્યોઃ બંદૂક બતાવી ધમકી

અમારા ઘરે પાણી કેમ નથી આવ્‍યું, તાત્‍કાલીક આપ કહી મનુબેન વાળાએ ફોન કરી ધમકી દીધી, પછી બે દિકરા સહિતની સાથે સ્‍કોર્પિયોમાં આવી દાનાભાઇ વાળાના ઘરે જઇ ધમાલ મચાવી દાનાભાઇ, તેના પુત્રને ધોકાથી ફટકાર્યા, પત્‍નિને લાફા મારી ધોકો મારી પછાડી દીધાઃ શિવરાજે પિસ્‍તોલ બતાવી આ તારી સગી નહિ થાય કહી ધમકી દીધીઃ કુવાડવા પોલીસે ચાર જણા સામે ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૧૧: કુવાડવાના ફાળદંગ ગામે રહેતાં અને ગ્રામ પંચાયતમાં પાણીના વાલ્‍વ ખોલવાની નોકરી કરતાં પ્રોૈઢને ગામના જ એક મહિલાએ ફોન કરી આજે અમારે પાણી નથી આવ્‍યું, તાત્‍કાલીક પાણી આપો કહી ગાળો દીધા બાદ મહિલા, તેના બે પુત્રો અને અજાણ્‍યાએ ગ્રામ પંચાયતના કર્મચારીના ઘરે આવી કર્મચારીને, તેના દિકરાને, પત્‍નિને ધોકા-લાફાથી માર મારી ગામ મુકાવી દેવાની અને મારી નાખવાની ધમકી આપી બંદૂક પણ બતાવતાં અને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત કરતાં કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ  ધરી છે. બીજી તરફ પીસીબીની ટીમે આ આરોપી પૈકી એકને ગેરકાયદે પિસ્‍તોલ સાથે પકડી લીધો છે. આ શખ્‍સ અગાઉ પણ પાંચ ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે ફાળદંગ ગામે રહેતાં અને ફાળદંગ ગ્રામ પંચાયતમાં નોકરી કરતાં દાનાભાઇ વીરાભાઇ વાળા (ઉ.વ.૫૦)ની ફરિયાદ પરથી શિવરાજ ધીરૂભાઇ વાળા, મનુબેન ધીરૂભાઇ વાળા, જયરાજ ધીરૂભાઇ વાળા અને અજાણ્‍યા વિરૂધ્‍ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ શિવરાજને પિસ્‍તોલ સાથે પીસીબીની ટીમે પકડી લીધો હતો અને અલગથી ગુનો દાખલ કરાવ્‍યો હતો.

દાનાભાઇ વાળાએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહું છું અને ફાળદંગ ગ્રામ પંચાયતમાં નોકરી કરુ છું. મારુ કામ પાણીનો વાલ્‍વ ખોલી ગામમાં પાણી છોડવાનું છે. શુક્રવારે ૧૦મીએ સવારે હું ઘરે હતો ત્‍યારે ગામના કાઠી પરિવારના મનુબેન ધીરૂભાઇ વાળાએ મને ફોન કરી કહ્યું હતું કે આજે અમારા ઘરે પાણી આવ્‍યું નથી, તમે તાત્‍કાલીક મારા ઘરે પાણી આપો. જેથી મેં કહેલું કે હું તમોને ૧૫ દિવસથી રોજ પાણી આપુ છું, આજે પાણીના ટાંકામાં પાણી નથી, તમે થોડીવાર ખમો તો હું વ્‍યવસ્‍થા કરુ છું. આ સાંભળી તે મને ફોનમાં ગાળો દેવા માંડયા હતાં અને પાણી નો હોય તો નોકરી નો કરાય, નીકળી જવાય ને. હું હમાણ શિવરાજને તારા ઘરે ચાવી લેવા મોકલુ છું તેમ કહ્યું હતું. 

આ પછી થોડીવારમાં તેમનો દિકરો શિવરાજ મારા ઘરે આવ્‍યો હતો અને મારી પાસે પાણીના ટાંકાની ઓરડીની ચાવી માંગી હતી. જેથી મેં સરપંચને પુછ્‍યા વગર ચાવી ન આપી શકાય તેમ કહેતાં શિવરાજ મને ગાળો દેવા માંડયો હતો અને હું હમણા આવુ છું તું ઉભો રહેજે કહીને તે જતો રહ્યો હતો.  આ પછી હું મારો દિકરો રાજુ, દિકરી આશા, મારા પત્‍નિ ચંપાબેન એમ બધા ઘર બહાર શેરીમાં ઉભા હતાં ત્‍યારે મનુબેન વાળા ચાલીને આવ્‍યા હતાં અને તેનો દિકરો શિવરાજ, જયરાજ તથા અજાણ્‍યો શખસ ફોર્ચ્‍યુનર કાર લઇને આવ્‍યા હતાં અને મારા ઘર પાસે બધા ઉતર્યા હતાં.

શિવરાજના હાથમાં ધોકો હતો  અને બીજા હાથમાં બંદુક જેવુ હથીયાર હતાું. જયરાજ અને અજાણ્‍યાના હાથમાં પણ ધોકા હતાં.  મનુબેને મારા દિકરા રાજુને બે લાફા મારી લીધા હતાં અને શિવરાજે પણ ધોકાનો ઘા મારા દિકરા ઉપર કર્યો હતો. આથી મારો દિકરો ભાગી ગયો હતો. બાદમાં જયરાજે મને ધોકાથી માર માર્યો હતો. શિવરાજે બંદુક જેવુ હથીયાર મને દેખાડી કહેલું કે-આ તારી સગી નહિ થાય. આમ  કહી તેણે ગાળો દઇ મને જ્ઞાતિ પ્રત્‍યે અપમાનીત પણ કર્યો હતો અને તારે ગામમાં રહેવું છે કે નહિ તેમ કહી વધુ ગાળો દીધી હતી. શિવરાજે મારા પત્‍નિ ચંપાબેનને પણ તું તો એક જ ધોકાથી ગરાગ છો કહી તેને પાટુ મારી પછાડી દીધેલ અને માર મારવાની ધમકી આપી હતી.

બાદમાં શિવરાજે મને ધમકી આપી હતી કે તારા દિકરા રાજુને જ્‍યાં રાખવો હોય ત્‍યાં રાખી દેજે તેને મારી જ નાખવાનો છે. આ વખતે મારો દિકરો મહેશ આવી જતાં  તે વચ્‍ચે પડયો હતો. આ પછી વિશરાજ સહિતના કારમાં ભાગી ગયા હતાં. મને પગમાં દુઃખાવો થતો હોઇ ૧૦૮ બોલાવી કુવાડવા હોસ્‍પિટલે સારવાર માટે ગયો હતો. શિવરાજના માતાએ પાણી આપવાનું કહી ગાળો દઇ બાદમાં તેના દિકરાએ આવી પાણીના ટાંકાની ઓરડીની ચાવી માંગતાં મેં ન દેતાં થોડીવાર બાદ શિવરાજ, તેનો ભાઇ જયરાજ, તેના માતા અને અજાણ્‍યાએ આવી ધોકાથી હુમોલ કરી, બંદુક બતાવી ધમકી આપી મારકુટ કરી અમને અપમાનીત કર્યા હતાં. પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ એ. બી. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(3:54 PM IST)