<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th October 2025

વાવડી પાસે સબમર્સિબલ પંપના કારખાનામાં વર્કરે રૂા. ૧.૪૦ લાખના કોપર વાયરની ચોરી કરી

મોટર ફીટીંગ વિભાગમાં કામ કરતો કર્મચારી જોઇ જતા વર્કર અમોદસીંગની પુછપરછ કરતા તે મોકો જોઇ ભાગી ગયોઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટઃ તા.૧૧, વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં આવેલા ફાલ્‍કનપંપ નામના કારખાનામાંથી તેમાં જ કામ કરતા કર્મચારીઓ રૂા. ૧૪ લાખના કોપર વાયરની ચોરી કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. મળતી વિગત મુજબ વાવડી ઇન્‍ડસ્‍ટ્રીઝ એરીયામાં આવેલ ફાલ્‍કન પંપ નામના સબમર્સિબલ પંપ બનાવવાના કારખાનામાં આઇ.ટી. એન્‍જીનિયર તરીકે નોકરી કરતા રાજેન્‍દ્રસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.વ.૩૮) (રહે. જુનુ જાગનાથ-૪, આભા એપાર્ટમેન્‍ટ- ૧૦૧) એ તાલુકા પોલીસ મથકમાં કારખાનામાં કામ કરતા અમોદ રામસોગારથસિંગ (રહે. ગુલાબનગર, રોલેક્ષ કારખાના નજીક) વિરૂધ્‍ધ ફરિયાદ નોંધાવી છે. રાજેન્‍દ્રસિંહે ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, તા. ર૧/૯ ના બપોરે લંચબ્રેકમાં અમારા કારખાનામાં પ્રોડકશન સુપરવાઇઝર વત્‍સલભાઇ મુકેશભાઇ ભાલોડીયાને જાણવા મળેલ કે કારખાનામાં પ્રેસ ખાતાના વર્કર તરીકે  કામ કરતા અમોદ રામસોગારથસીંગએ સ્‍ટોર ડીપાર્ટમેન્‍ટમાં થી એક પ્‍લાસ્‍ટીકના પાણીના જગમાં કોપર રોડ ચોરી કરી લઇ જવાના ઇરાદે ડાયકાસ્‍ટ ડીપાર્ટમેન્‍ટમાં છુપાવીને રાખેલ છે. જેને મોટર ફીટીંગ ખાતામાં નોકરી કરતા મહાવીરરામએ આ પાણીના જગમાં કોપર રોડ ભરી છુપાવતા આ અમોદસિંગને જોયો હોઇ, જેથી હું તથા વત્‍સલભાઇ ભાલોડીયા તથા ફાલ્‍કન કંપનીના અન્‍ય કર્મચારીઓ આ અંગે તપાસ કરતા આ અમોદસીંગને સાથે રાખી તેણે જે પાણીનો જગ છુપાવી રાખ્‍યો હતો તેમાં  જોતા તેમાંથી કોપર રોડ બંચ જેનો વજન ૧૦ કિલોગ્રામ હોઇ તેવા પાંચ કોપર રોડના બંચ મળી આવ્‍યા હતા, અને આ અમોદસીંગને આ બાબતે પૂછતા તેણે ચોરી કરવાના ઇરાદે આ કોપર રોડ છુપાવી રાખ્‍યા હોવાનું કબુલ્‍યુ હતું અને અગાઉ પણ આ રીતે પાણીના જગમાં કોપર રોડ છુપાવી લઇ ગયો છે. તેવું સ્‍વીકાર્યુ હતું, અને બીજા આવા કોઇ કોપર બાબતે પુછતા  તેને ડાયકાસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ ખાતે કોપર રોડ ચોરી કરવાના ઇરાદે અન્‍ય જગ્‍યાએ પણ છુપાવી રાખ્‍યા હોવાનું સ્‍વીકારતા આ અમોદસીંગને અન્‍ય કોપર રોડ બતાવવાનું કહેતા હતા તે દરમ્‍યાન ડાયકાસ્‍ટ ડીપાર્ટમેન્‍ટ માં આવેલી બારી ખુલ્લી હોઇ મોકો જોઇ બારીમાંથી કુદીને નાસી ગયો હતો.

 અમે બધા તેને પકડવા પાછળ દોડયા, પરંતુ તે પકડાયો ન હતો. બાદ વધુ તપાસ કરતા તેણે છેલ્લા એકાદ મહિના દરમ્‍યાન આશરે ર૦૦ કિલોગ્રામ કોપર રોડના બંચ ચોરી કરી ગયો હોવાનું જાણવા મળ્‍યું હતું. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા હેડ કોન્‍સ. એ.બી. ભુંડીયાએ તપાસ હાથ ધરી છે.

(3:38 PM IST)