News of Saturday, 11th October 2025
રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૯૪ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્તઃ રાજુભાઈ ધ્રુવ
ભૂપેન્દ્રભાઈને રાજકોટનો ઉષ્માભર્યો આવકારઃ રાજકોટ-સૌરાષ્ટ્રને કરોડોના વિકાસ કાર્યોની ભેટ

રાજકોટઃ શહેરની મુલાકાતે આવેલા રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવકારતા સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા શ્રી રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રીના વિકાસ કાર્યો અને પ્રજા પ્રત્યેના લગાવને બિરદાવ્યા હતા.
શ્રી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના શાસનકાળમાં રાજકોટ શહેર અને જિલ્લામાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસલક્ષી નીતિને આગળ વધારીને નિર્ણાયક મુખ્યમંત્રીએ ફરી એક વખત શહેર-જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે, જેના માટે રાજકોટની જનતા તેમનો આભાર માને છે.
વિકાસ કાર્યોની મુખ્ય વિગતોઃ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ શહેર-જિલ્લાને રૂ.૧૯૪ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી રહી છે, જે તેમની અવિરત વિકાસ યાત્રા દર્શાવે છે.
૨૦૨૨થી અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા (આરએમસી) અને રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા) ના રૂ. ૫૬૫.૬૩ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
રાજકોટ જિલ્લાના શહેરી, ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારોને વીજ પુરવઠો પૂરો પાડવા ગુજરાત ઊર્જા પરિવહન નિગમ દ્વારા રૂ.૨૩૮.૧૧ કરોડના ખર્ચે નવા સાત ૬૬ કે.વી. સબ સ્ટેશનોનું નિર્માણ. જસદણ ખાતે આશરે ૭ એકરમાં રૂ. ૮.૪૦ કરોડના ખર્ચે તાલુકા કક્ષાનું રમત સંકુલ નિર્માણ પામ્યું છે. આરએમસી દ્વારા રેસકોર્સમાં રૂ. ૫.૯૧ કરોડના ખર્ચે અદ્યતન આર્ટ ગેલેરીનું લોકાર્પણ થયું. રૂ.૩૬ કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનના નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું. શહેરી બસ પરિવહન સેવામાં ૨૨ નવી સીએનજી બસ અને ૨૫ ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી અપાઈ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રૂ.૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત કેથલેબ-કાર્ડિયોલોજી વિભાગ અને રૂ.૯.૩૪ કરોડના ખર્ચે એમ.આર.આઈ. મશીનનું ઉદ્ધાટન કરાયું. ગોંડલ ચોકડી ખાતે રૂ. ૮૯ કરોડના ખર્ચે બનેલા સિક્સ લેન ઓવરબ્રિજનું લોકાર્પણ.
જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું, જેમાં જસદણ-વીંછીયા પંથકમાં અંદાજિત રૂ.૧૯ કરોડના વિવિધ પ્રકલ્પો અને ભડલી ગામ પાસે રૂ.૫.૩૯ કરોડના ખર્ચે મેજર બ્રિજનું ઈ-ખાતમુહૂર્ત મુખ્ય છે.
શ્રી રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી ગ્રામ પંચાયતો સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી પ્રોત્સાહન આપવા માટે પોતાનો વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી રાજકોટ આવ્યા છે. આવા લોકલાડીલા જનનાયકને આવકારવા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
(3:39 PM IST)










