<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર અચાનક મોટું વૃક્ષ ધરાશાયી:પાર્ક કરેલા છ જેટલા વાહનો દબાઈ ગયા

રેસકોર્સ અંડરબ્રિજ પાસે આવેલી સાસુજી રેસ્ટોરન્ટ નજીક બનાવ : દબાયેલા તમામ વાહનોમાં નુકશાન : રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને વેઇટર્સ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા

રાજકોટ શહેરના હાર્દ સમા રેસકોર્સ રિંગ રોડ પર આજે અચાનક એક મોટું વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની હતી. આ ઘટનાને કારણે રોડ પર પાર્ક કરેલા છ જેટલા વાહનો વૃક્ષના ભાર નીચે દબાઈ ગયા હતા. આ ગંભીર અકસ્માત રેસકોર્સ અંડરબ્રિજ પાસે આવેલી સાસુજી રેસ્ટોરન્ટ નજીક બન્યો હતો

આ ઘટનામાં સૌથી રાહતની વાત એ રહી કે વૃક્ષ અચાનક પડ્યું હોવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. જોકે નીચે દબાયેલા તમામ વાહનોને મોટું નુકસાન થયું છે. વાહનો ધરાશાયી થયેલા વૃક્ષના થડ અને ડાળીઓ નીચે દબાઈ ગયા હતા. જેના કારણે તેમના બોડી પાર્ટ્સ અને કાચને નુકસાન પહોંચ્યું છે. વૃક્ષ પડવાની ઘટના બનતા જ નજીકમાં આવેલી રેસ્ટોરન્ટના કર્મચારીઓ અને વેઇટર્સ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા

 તેમણે પોતાની રીતે જ વૃક્ષ નીચે દબાયેલા વાહનોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાથી ટૂંકા સમય માટે રિંગ રોડ પર અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. મહાનગરપાલિકાના સંબંધિત વિભાગને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને હવે ધરાશાયી થયેલા વૃક્ષને હટાવીને રોડ પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વૃક્ષના અચાનક પડી જવાથી શહેરી વિસ્તારમાં જાહેર સલામતીના પ્રશ્નો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

 

(11:59 PM IST)