News of Monday, 13th October 2025
લારી રાખવી હોય તો ૫૦૦ ભાડુ દેવુ પડશે...હીરાએ ગાંઠીયાવાળા રમેશભાઇને માર માર્યોઃ તેલનું બકડીયું ઉલળી જતાં દાઝી ગયા
સંત કબીર રોડના નાલા પાસે અઢી વર્ષથી લારી રાખતાં યુવાને અમે દર બે મહિને મનપાને પૈસા આપીએ છીએ તમને આપવાના ન હોય તેમ કહેતાં માથાકુટઃ પરમ દિવસે પણ આ શખ્સ ડખ્ખો કરી ગયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: સામા કાંઠે સંત કબીર રોડના નાલા પાસે ગાંઠીયાની લારી રાખી ગુજરાન ચલાવતાં યુવાન પર સામા કાઠાના જ એક ભરવાડ શખ્સ અને તેની સાથેના શખ્સે માથાકુટ કરી ઝપાઝપી કરી માર મારતાં અને ઝપાઝપીમાં ગરમ તેલનું બકડીયું ઉલળી જતાં લારીવાળો યુવાન પગના ભાગે દાઝી જતાં સારવાર માટે દાખલ થવું પડયું છે. લારી ઉભી રાખવી હોય તો રોજના રૂા. ૫૦૦ ભાડુ આપવું પડશે...તેમ કહી આ શખ્સોએ માથાકુટ કર્યાનો આક્ષેપ કરાયો છે.
જાણવા મળ્યા મુજબ જુના માર્કેટ યાર્ડ નજીક હુડકો ક્વાર્ટરમાં રહેતો રમેશભાઇ પ્રભુદાસભાઇ સવજીયાણી (ઉ.વ.૩૫) નામનો યુવાન રાતે દસેક વાગ્યે સંત કબીર રોડના નાલા પાસે પોતાની જલારામ ગાંઠીયા નામની લારી લઇને ઉભો હતો ત્યારે સામા કાંઠે રહેતો હીરો ભરવાડ અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં. બંનેએ ઝઘડો કરી મારા મારી કરી ગાળો દઇ ઝપાઝપી કરતાં ગરમ તેલનું બકડીયું ઉલળતાં રમેશભાઇ દાઝી જતાં સિવિલ હોીસપટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.
રમેશભાઇએ જણાવ્યું હતું કે હું અને મારા ભાઇ કેતનભાઇ અઢી વર્ષથી સંત કબીર રોડના નાલે ગાંઠીયાની રેંકડી રાખી ધંધો કરીએ છીએ. અમે રાતે નવથી સવારના ચાર સુધી લારી રાખીએ છીએ અને આ માટે નિયમઅનુસાર મનપાને દર બે મહિને ભાડુ ચુકવી પહોંચ લઇએ છીએ. પરમ દિવસે હીરો અમારી લારીએ આવ્યો હતો અને જગ્યાનું ભાડુ માંગી માથાકુટ કરી હતી. માણસો ભેગા થઇ જતાં તે જતો રહ્યો હતો. રવિવારે રાતે ફરીથી તે અને અજાણ્યો શખ્સ આવ્યા હતાં અને અહિ લારી રાખવી હોય તો મને રોજના ૫૦૦ રૂપિયા ભાડુ દેવુ પડશે તેમ કહી ઝઘડો કરી મારામારી કરી હતી. આ વખતે ગરમ તેલનુ બકડીયું પડી જતાં હું પગમાં દાઝી ગયો હતો. મારા ભાઇએ મને છોડાવ્યો હતો. ડખ્ખો કરી હીરો અને અજાણ્યો શખ્સ ભાગી ગયા હતાં. યુવાનની વિગતો પરથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:10 PM IST)










