News of Monday, 13th October 2025
દિવાળી નિમીતે તકેદારી રાખવા બી-ડીવીઝન પોલીસે વેપારીઓ સાથે બેઠક યોજી
લૂંટ અને ચોરીના બનાવો ન બને તે માટે રોકડ તથા દાગીના સુરક્ષીત જગ્યાએ મુકવા તેમજ સીસીટીવી કેમેરા ચાલુ રાખવા, કર્મચારીઓની વિગત પોલીસને આપવી સહિત સૂચનાઓ અપાઇ

રાજકોટઃ પોલીસ કમિશ્નર બ્રજેશકુમારઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ તથા મદદનીશ પોલીસ કમિશ્નર આર. એસ. બારીઆના માર્ગદર્શન હેઠળ આગામી દીવાળીના તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનતા મિલ્કત સંબંધી ગુન્હાઓ ન બને તે હેતુથી બી-ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ. એસ. રાણેએ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારના ઇન્મીટેશનના તથા આંગડીયા પેઢીના તથા ચાંદીના વેપારીઓ અને આગેવાનો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં વેપારીઓ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા. મીટીંગમાં નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલે દિવાળીના તહેવાર અનુસંધાને દુકાનોમાં સીસી ટીવી કેમેરા યોગ્ય રીતે ચાલુ રાખવા પોતાની દુકાનમાં કામ કરતા કર્મચારીઓ/મજૂરોની વિગત પોલીસને આપવા, સીસી ટીવી કેમેરા બેકપ અન્ય સ્થળે રાખવા, તેમજ ખુબજ કિંમતી ઘરેણા, વસ્તુઓને રજાઓ દરમ્યાન વધુ સુરક્ષીત જગ્યાએ મુકવા સુચના કરેલ તેમજ કોઇપણ બનાવ બને તાત્કાલીક જનરક્ષક ૧૧ર અથવા બી ડીવીઝન પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. આગેવાનો તથા વેપારીઓએ પોલીસે કરેલા સૂચનો પર અમલ કરવા માટેખાત્રી આપી હતી.
(2:30 PM IST)










