News of Monday, 13th October 2025
બોટાદમાં પોલીસવાળા ૧૦-૧૫ બુટલેગરો લઇને આવ્યા અને પથ્થરમારો કર્યો
રાજકોટમાં આયોજીત ગુજરાત જોડો સભામાં ગોપાલ ઇટાલીયાએ કહ્યું એ લોકોના માણસોએ જ પોલીસની ગાડી ઉથલાવી, જે જનતાનો અવાજ દબાવે છે એ અધિકારીઓને લોઢાના મેડલ મળશે

રાજકોટઃ વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજકોટ ખાતે જનસભામાં બોટાદની ઘટના વિશે વાત કરતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ ખેડૂતો માટે આંદોલન કર્યું. એમણે કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું પરંતુ બોટાદમાં શું ઘટના બની? એવી જ ઘટના પાટીદાર અનામત આંદોલનમાં મહુડી ચોકમાં બની હતી.
પોલીસવાળા ચાર બુટલેગરોને લઈને આવ્યા અને બુટલેગરોએ પથરા ઉછાળવાનું ચાલુ કર્યું, આ દરમિયાન ગામના લોકો સ્તબ્ધ હતા અને વિચારતા હતા કે આ કયા ગામના લોકો આવી ગયા છે. એટલામાં તો પોલીસે ‘‘પથ્થરમારો થયો અમારા પર'' એમ કહીને માર મારવાનું શરૂ કર્યું. તમે દસ પંદર બુટલેગર લઈને આવ્યા અને તમે આખા ગામને આરોપી બનાવવાની કોશિશ કરીને આવ્યા. હાલ આજે ટોળું છે એમાં પાંચ બુટલેગરો આવીને પથ્થરમારો કરે તો આપણે શું કરી લેવાના? આજે બોટાદમાં આવી જ ઘટના બની કે પોલીસવાળા ૧૦-૧૫ બુટલેગરોને લઈને આવ્યા અને એ બુટલેગરોએ પથ્થરમારો કર્યો પછી પોલીસે આખા ગામની ચારે બાજુથી ઘેરી લીધું અને ત્યારબાદ ગામના ખેડૂતોને બેફામ માર માર્યો. પોલીસે અમારા અનેક આગેવાનોને પકડ્યા, પોલીસના માણસોએ પોલીસની ગાડી ઉથલાવીને સળગાવી દીધી પછી એ જ લોકોએ કેમેરામાં રેકોર્ડ કરીને કહ્યું કે જુઓ અમારી ગાડી સળગાવી દીધી.
બુટલેગરોએ પોલીસવાળાઓ પર ગાડીઓ ચડાવી દીધી એ સમય તો કોઈએ એફઆઇઆર પણ થતી નથી. પરંતુ જ્યારે એક નિર્દોષ માણસ આંદોલન કરવા નીકળે અને પોતાનો હક માંગવા નીકળે એટલે ભાજપવાળા તરત પોલીસ મોકલે છે. મેં નક્કી કર્યું છે કે જે લોકોએ ભાજપની દલાલી કરી છે, જે લોકોને પ્રમોશન જોઈએ છે અને જે જે લોકોને મેડલ જોઈએ છે એ બધાને ગોપાલ ઇટાલીયા લોઢાના મેડલ આપશે. કેટલાક અધિકારીઓ સારા છે પરંતુ બાકીના બધાને પ્રમોશન જોઈએ છે, પૈસા જોઈએ છે અને સારી જગ્યાએ પોસ્ટિંગ જોઈએ છે અને એમાં જ એ લોકોએ સરકારની દલાલી ચાલુ કરી. ૨૦૨૭માં જ્યારે સરકાર બદલાશે ત્યારે બધાને લાઇનમાં ઊભા રાખીને લોઢાના મેડલ પહેરાવવામાં આવશે.
આ તકે પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ તથા શહેર પ્રમુખ દિનેશભાઈ જોશી તથા પ્રદેશ ટ્રેડ વિગ પ્રમુખ શિવલાલભાઈ બારસિયા તથા લોકસભા સહ ઇન્ચાર્જ દિલીપસિહ વાઘેલા તથા વિધાનસભા ૬૮ ના ઇન્ચાર્જ રાહુલભાઈ ભુવા તથા ૭૧ વિધાનસભાના ઇન્ચાર્જ કૌશિકભાઇ મકવાણા પ્રદેશ મંત્રી ચેતનભાઇકામાણી તથા મહામંત્રી સંજયસિહ વાઘેલા સાથે પિયુષભાઈ ભંડેરી અને પિયુષભાઈ ભાંભર તથા દિલીપભાઈ વોરા અને રાજકોટની જનતા ઉપસ્થિત રહી હતી.
(3:23 PM IST)










