<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

પ્રખર ગાંધીવાદી મોરારજી દેસાઇના હસ્‍તે રાજકોટમાં ‘ગાંધી પ્રાર્થના મંદિર'નું ઉદ્‌ઘાટનઃ ૪૮ વર્ષ પહેલાની એક અવિસ્‍મરણીય ઘટના

રાજકોટઃ સૌરાષ્ટ્રની ભૂમિ પર મહાત્‍મા ગાંધીના આદર્શોને જીવંત રાખવાનો એક ઐતિહાસિક પ્રસંગ આજથી બરાબર ૪૮ વર્ષ પહેલા યોજાયો હતો, જ્‍યારે તત્‍કાલીન વડાપ્રધાન અને પ્રખર ગાંધીવાદી મોરારજી દેસાઇના વરદ હસ્‍તે રાજકોટના વાલ્‍મિકવાડી વિસ્‍તારમાં બંધાયેલ ગાંધી પ્રાર્થના મંદિરનું ઉદ્ધાટન થયું હતું.

આ સમગ્ર ભગીરથ કાર્યનું આયોજન રાજકોટના જાણીતા સેવાભાવી અને વામનને વિરાટ બનાવવાનું કાર્ય કરનારા રતિભાઈ ગોંધિયાએ કર્યું હતું. (જેઓ અશોક ગોંધિયા  વોકહાર્ટ હોસ્‍પિટલના રચયિતા તરીકે પણ જાણીતા છે.) રતિભાઈએ પડદા પાછળ રહીને, કોઈ પણ પ્રસિદ્ધિની ઈચ્‍છા વગર, વાલ્‍મિક સમાજના અગ્રણીઓ દ્વારા આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરાવ્‍યો હતો.

વડાપ્રધાનના કાર્યક્રમની સંક્ષિપ્ત પૃષ્ઠભૂમિઃ આ ઘટના તા. ૧૩-૧૦-૧૯૭૭ના રોજ બની હતી. તે સમયે કેન્‍દ્રમાં જનતા પક્ષની નવી સરકાર રચાઈ હતી અને મોરારજીભાઈ દેસાઇ વડાપ્રધાન બન્‍યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા હતા.

કાર્યક્રમના આયોજનની શરૂઆત તદ્દન નાની વાતથી થઈ હતી. રતિભાઈ ગોંધિયાને મળેલા મિત્રોએ વાલ્‍મિકવાડીમાં 9x9 રૂમ અને 17x17 ઓસરીવાળા, ગાંધી પ્રાર્થના મંદિર ટ્રસ્‍ટની જમીન પર બંધાયેલા એક નાનકડા મકાન (ઝૂંપડી)ના ઉદ્ધાટન માટે વડાપ્રધાનને લાવવાનો શેખચલ્‍લી જેવો ગાંડો તુક્કોૅ રજૂ કર્યો હતો. રતિભાઈએ આ વાતને ગંભીરતાથી લીધી અને માત્ર ચાર કલાકમાં વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઇએ ઉદ્ધાટન માટે હાજરી આપવાની ચોક્કસ ખાતરી આપી દીધી!

રાજકીય હલચલ અને મોરારજીભાઈની અડગતા વડાપ્રધાનનો આ કાર્યક્રમ વાયુવેગે દેશભરમાં ફેલાઈ ગયો. આનાથી ગુજરાતની બાબુભાઈ જસભાઈ પટેલની જનતા પાર્ટીની સરકાર અને રાજકોટના રાજકીય આગેવાનો સ્‍તબ્‍ધ થઈ ગયા હતા.

મોરારજીભાઈને ફોન કરીને સમજાવવામાં આવ્‍યા કે તેઓ જે વિસ્‍તારના કાર્યક્રમમાં જઈ રહ્યા છે, ત્‍યાંના ધારાસભ્‍ય ભાનુભાઈ વાઘેલા ઈન્‍દિરા કોંગ્રેસના છે. પરંતુ ગાંધી વિચારધારાને વરેલા મોરારજીભાઈએ કોઈ પણ રાજકીય ભેદભાવ વગર સ્‍પષ્ટ કહ્યું કે વાલ્‍મિકી સમાજને વળી જનતા પાર્ટી, ઈન્‍દિરા કોંગ્રેસ જેવું કંઈ ન હોય, હું તો રાજકોટના ગાંધી પ્રાર્થના મંદિરના ઉદ્ધાટન માટે તા. ૧૩-૧૦-૧૯૭૭ના જઈશ જ. અને તેઓ કાર્યક્રમમાં પધાર્યા હતા.

રતિભાઈ ગોંધિયાએ આ સમગ્ર કાર્યક્રમની જવાબદારી એક બિનઅનુભવી તરવરિયા યુવાનને સોંપી હતી, જેણે સફળતાપૂર્વક સંચાલન, સ્‍વાગત પ્રવચન વગેરે સંભાળ્‍યા. પોતે રતિભાઈ, શ્રોતાઓમાં ન દેખાય તે રીતે બેસી ગયા હતા.

કાર્યક્રમના પ્રમુખ સ્‍થાને મહાત્‍મા ગાંધીજીના અંતેવાસી અને દાંડીકૂચમાં તેમની બાજુમાં ચાલનારા ગુજરાત હરિજન સેવક સંઘના તત્‍કાલીન પ્રમુખ છગનભાઈ જોશી હતા.

મંચ પર હાજર અગ્રણીઓઃ

જ્જ ગુજરાતના તત્‍કાલીન મુખ્‍યમંત્રી બાબુભાઈ જસભાઈ પટેલ

જ્જ કેબિનેટ મંત્રી કેશુભાઈ પટેલ

જ્જ રાજકોટના ધારાસભ્‍ય અરવિંદભાઈ મણિયાર

જ્જ વાલ્‍મિક સમાજના ધારાસભ્‍ય ભાનુભાઈ વાઘેલા

જ્જ પૂજ્‍ય જયાબેન શાહ અને અન્‍ય મહિલા અગ્રણી હિરાબેન શેઠ.

કાર્યક્રમની શરૂઆત કરશનભાઈ સાગઠિયાના ભજનથી થઈ હતી અને આભારવિધિ કરશનભાઈ વાઘેલાએ કરી હતી.

વાલ્‍મિકી સમાજની વેદના અને વડાપ્રધાનનો પ્રતિભાવ

સ્‍વાગત પ્રવચનમાં વક્‍તાએ આઝાદી મળ્‍યા બાદ વાલ્‍મિકી સમાજને કંઈ મળ્‍યું નથી તેની વેદના રજૂ કરી હતી. તેમણે બંધારણમાં સુધારાની વાત કરતાં અનામતનો લાભ ભંગી (વાલ્‍મિકી) ને પ્રથમ આપવાની માંગ કરી હતી. આ માંગનો મુખ્‍યમંત્રી કે વડાપ્રધાને વિરોધ ન કર્યો. ઉલટાનું, મોરારજીભાઈ અને બાબુભાઈ જસભાઈ પટેલે વક્‍તાના નામનો ઉલ્‍લેખ કરીને તેમને સન્‍માન આપ્‍યું હતું.

આ કાર્યક્રમમાં મોરારજીભાઈની મોટર આગળ ગોવિદ લઢેર અને અન્‍ય કિશોરોએ દાંડિયારાસ લીધો હતો, ત્‍યારે પોલીસની નારાજગી છતાં મોરારજીભાઈએ હસતા મુખે સ્‍વીકાર કર્યો હતો. આ સમગ્ર સફળ કાર્યક્રમ બાદ પણ રતિભાઈ ગોંધિયાએ મોરારજીભાઈ કે અન્‍ય મહેમાનોને મળવાનો પ્રયાસ સુધ્‍ધા નહોતો કર્યો, જે તેમની નિઃસ્‍વાર્થ ભાવના દર્શાવે છે. નવી પેઢી માટે રતિભાઈ ગોંધિયાનું આ કાર્ય પ્રેરણાદાયી છે.

આલેખનઃ સંભારણું:

ગોવિંદભાઈ વાઘેલા

માનદ મંત્રી

સૌરાષ્ટ્ર અંત્‍યજ સમાજ સેવા સંઘ

મો. ૯૪૨૭૫ ૦૫૫૦૧

(3:42 PM IST)