News of Tuesday, 14th October 2025
માલીયાસણની હેતલબેન રૂદાતલાની સોખડા પાસે નદીના પટમાંથી લાશ મળીઃ ઝેરથી મોત થયાનું ખુલ્યું
છુટાછેડા લઇ ચુકેલી યુવતિએ ત્રણ સંતાનના પિતા સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી માવતરે હત્યાનો આક્ષેપ કરતાં કુવાડવા રોડ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું

રાજકોટ તા. ૧૪: શહેરના માલીયાસણ ગામે રહેતી હેતલબેન રમેશભાઇ રૂદાતલા (ઉ.વ.૨૫) નામની યુવતિની લાશ ઘર નજીક સોખડા ગામની સીમમાં નદીના પટમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ત્યકતા એવી આ યુવતિને ત્રણ સંતાનના પિતા એવા શખ્સ સાથે લવમેરેજ કરવા હતાં. પરંતુ માવતરે ના પાડતાં તેણીએ આપઘાત કરી લીધાની શંકા ઉપજી છે. જો કે માવતર પક્ષે દિકરીની પ્રેમીએ હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
જાવણા મળ્યા મુજબ માલીયાસણ ગામે માવતર સાથે રહેતી હેતલબેનના અઢી વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં અને તે ત્રણ બહેન તથા એક ભાઇમાં મોટી હતી. તેણીને આગલા ઘરનો એક પુત્ર છે. હેતલબેનને હાલમાં સોખડા ગામે રહેતાં સુરેશ સાથે પ્રેમ થઇ જતાં તેની સાથે લગ્નની જીદ કરી હતી. પણ સુરેશ ત્રણ સંતાનનો પિતા હોઇ માવતર પક્ષે આ લગ્નની ના કહી દીધી હતી. આ પછી હેતલબેનની સોખડા ગામ નજીકનદીના પટમાંથી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેણીને ત્રણ સંતાનના પિતા એવા પ્રેમી સાથે લગ્નની ના કહેવાતાં તેણીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ઝેરથી મૃત્યુ થયાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું. જો કે તબિબે વિસેરા લઇ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. માવતર પક્ષે દિકરીની હત્યા થયાનો આક્ષેપ પણ કર્યો હોઇ કુવાડવા પોલીસ મથકના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ બી. વી. ભગોરાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(11:46 AM IST)










