તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Tuesday, 14th October 2025
વન વિભાગ દ્વારા કડક કાર્યવાહીથી વ્હેલ માછલીની ઉલ્ટીના ગુન્હેગારની જામીન અરજી રદ
પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલ્ટીના વેચાણની ગુનાહિત પ્રવૃતિથી દૂર રહેવા ખાસ અપીલ

રાજકોટ, તા. ૧૪ : તાજેતરમાં સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટના કાર્યક્ષેત્રની સામાજીક વનીકરણ રેન્જ, રાજકોટ(ઉ)ના કાર્યક્ષેત્ર વિસ્તારમાં આજી ડેમ ચોકડીના સિટી બસ સ્ટોપ પાસેથી એસ.ઓ.જી. શાખા રાજકોટને ચોક્કસ બાતમીનાં આધારે પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલ્ટી (એબરગ્રીસ)નો જથ્થો મળી આવતા આ ગુન્હો વન વિભાગ હસ્તકનો હોવાથી આ ગુનાની વધુ તપાસ અર્થે વનસંરક્ષક, સામાજીક વનીકરણ વર્તુળ, રાજકોટ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલા ઇસમ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના મળી હતી,
જે અન્વયે નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, રાજકોટ તથા મદદનિશ વન સંરક્ષક, એસ.ટી.કોટડીયાના માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફીસર વિક્રમસિંહ પરમાર તથા રેન્જ ફોરેસ્ટ ઓફીસર તથા વાઇલ્ડ લાઇફ વોર્ડન સુ એચ.બી.મોકરીયા દ્વારા આરોપી વિરમ મનજીભાઇ બાવળીયા (ઉ.વ. ૨૭) રહે. કરીયાણા તા.બાબરા જી.અમરેલીને વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આરોપીને રાજકોટની કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુન્હાની ગંભીરતા ધ્યાને લઇ આરોપીની જામીન અરજી રદ કરી છે, અને આરોપીને જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલવા હુકમ કર્યો હતો.
આ કામગીરીમાં ગોપાલસિંહ રાઠોડ, રાઉન્ડ ફોરેસ્ટર, રાજકોટ તથા શક્તિસિંહ ઝાલા, ઇ.ચા. રાઉન્ડ ફોરેસ્ટ, રાજકોટ સીટી તથા વિજયસિંહ જાડેજા, વનરક્ષક સહાયક બન્યા હતાં.
(11:53 AM IST)










