News of Tuesday, 14th October 2025
‘ચણીયા ટોળી' : ગામડાની સાત અભણસ્ત્રીઓ દ્વારા બેંક લુંટવાની સાહસકથા રજુ કરતી ફિલ્મ
યશ સોની અને રાગી જાનીની મુખ્ય ભુમિકા સાથે સંપૂર્ણ મનોરંજક અને પારિવારિક ફિલ્મ : ‘પોપટ બોલે' ગીત ટ્રીઝર રીલીઝ થવા સાથે જ ઉપડી ગયુ : ર૧ મીએ દેશના સીનેમા ઘરોમાં છવાઇ જશે : આ દિવાળીએ ચણીયા ટોળી' ટેગ લાઇન સાથે ભરપુર પ્રમોશન : ‘સાત ચણીયા અને એક ધોતીયું બેંક લુંટી ગયા' ડાયલોગ પણ જમાવટ કરે છે

રાજકોટ તા. ૧૪ : ગામડાની સાતસ્ત્રીઓના બેંક લુંટવાની સાહસકથા વર્ણવતી ગુજરાતી ફિલ્મ ‘ચણિયા ટોળી' આગામી તા. ૨૧ મીથી દેશ વિદેશમાં રીલીઝ થવા જઇ રહી છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફિલ્મના મુખ્ય શિક્ષકનો રોલ નિભાવનાર યશ સોનીએ જણાવ્યુ હતુ કે આ સંપૂર્ણ મનોરંજક અને પરિવાર સાથે જોઇ શકાય તેવું ફિલ્મ છે. જેમાં એક શિક્ષક દ્વારા સાત અભણસ્ત્રીઓને બેંક લુંટવા માટે તૈયાર કરવામાં આવે છે અને પછી જે તાણાવાણા સર્જાય છે તે લોકોને ખુબ અચંબીત કરી દે તેવા હોય છે. એકંદરે ભ્રસ્ટ સીસ્ટમ સામે લડવાનો સંદેશ આ ફિલ્મ આપી જાય છે.
ર કલાકના ડયુરેશનવાળી આ ફિલ્મ માટે પુરી ટીમ દ્વારા એકાદ વર્ષ મહેનત કરવામાં આવી છે. એટલે જીવ રેડીને કામ કરવામાં આવ્યુ છે. મોટાભાગનું શુટીંગ આણંદ પાસેના સુણાવ પાસે થયુ છે. ફિલ્મનું એક ગીત ‘પોપટ બોલે' ટ્રેલર અને ટ્રીઝર રીલીઝ થવાની સાથે જ લોકહૈયે સ્થાન પામી ચુકયુ છે. તો ફિલ્મનો એક ડાયલોગ ‘સાત ચણીયા અને એક ધોતીયું બેંક લુટી ગયું' પણ ખુબ જમાવટ કરે છે.
ફિલ્મમાં રાગી જાની એક આધેડના રોલમાં છે અને મહિલાઓના દમનનું પ્રતિનિધિત્વ કરે છે. ચેતન દૈયા ભ્રષ્ટ નેતાની ભુમિકામાં છે.
હાલ ગુજરાતી ફિલ્મોનો યુગ જોરદાર જામ્યો છે તે અંગે પણ યશ સોનીએ ખુશી વ્યકત કરી હતી અને આ માટે યુવા વર્ગની સેન્સને તેઓએ જવાબદાર ગણાવી હતી.
આનંદ પંડિત મોશન પિકચર્સ અને જેનોઝ ફિલ્મસ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં મ્યુઝીક કેદાર ભાર્ગવનું છે અને લેરીકસ મનુ રબારીના છે. ગીતોને સ્વર રાકેશ બારોટ અને જહાન્વી શ્રીમાંકરે આપ્યો છે. ડીરેકટર તરીકે પાર્થ ત્રિવેદી અને જય બોડાસે સેવા આપી છે.
હવે દિવાળીનો તહેવાર નજીક છે ત્યારે ‘આ દિવાળી ચણીયા ટોળી' ટેગલાઇન લઇને ભરપુર પ્રમોશન કરવામાં આવી રહ્યુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે ફિલ્મ વિષેની રસપ્રદ વિગતો વર્ણવતા મુખ્ય અભિનેતા યશ સોની નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:43 PM IST)










