<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th October 2025

દિવાળી ટાણે જ ધાંધીયા : રાજકોટ સહિત રાજયભરમાં પુરવઠાનું સર્વર ડાઉનઃ દૂકાનો ઉપર હજારો લોકોને ધક્કા

ર દિવસથી આ હાલત : હજુ પ૦ ટકા ગરીબ કાર્ડ હોલ્‍ડરોને માલ આપવાનો બાકી : દુકાનો ઉપર લાંબી લાઇનો

રાજકોટ,તા. ૧૪ :  રાજકોટઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્‍યારે રાજકોટ સહિત રાજ્‍યભરમાં સસ્‍તા અનાજની દુકાનો પર અનાજ લેવા આવતા ગરીબ અને મધ્‍યમ વર્ગના લોકો છેલ્લા બે દિવસથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેનું કારણ છે કે, છેલ્લા બે દિવસથી રાજ્‍યભરના પુરવઠા વિભાગનું સર્વર ડાઉન છે. આજે તો સવારથી લોકો લાઇનોમાં ઉભા છે અને બેઠા છે, રાજકોટ ડીએસઓ પાંચ દિવસ ગાંધીનગર તાલીમમાં છે, કોઇ જવાબદાર હાજર નથી, ઝોનલ કચેરીઓમાં પણ કાર્ડ કામગીરી કરવા આવનાર સેંકડો લોકો હેરાન પરેશાન થયા હતા.

સામાન્‍ય રીતે દિવાળીના તહેવાર દરમિયાન સરકાર દ્વારા સસ્‍તા અનાજની દુકાનો મારફતે ગ્રાહકોને વધારાનું ખાંડ-તેલ પણ આપવામાં આવતા હોય છે, જેના કારણે દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. જોકે, આ જ સમયે સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે મુશ્‍કેલી પડી રહી છે, રાજકોટમાં પ૦ ટકા ગરીબ કાર્ડ હોલ્‍ડરોને મીલ અપાઇ ગયો છે, બાકીના ર દિ'થી ધક્કા ખાઇ રહ્યા છે.

મળતી વિગતો અનુસાર, રાજકોટ સહિત રાજ્‍યભરના મોટાભાગના લોકો વહેલી સવારથી સસ્‍તા અનાજની દુકાન ખાતે અનાજ લેવા માટે પહોંચે છે. પરંતુ ત્‍યાં સર્વર ડાઉન હોવાની જાણ થતાં લોકો કલાકો સુધી રાહ જોઈને નિરાશ થઈને પરત ફરવા મજબૂર બન્‍યા છે.

મોટાભાગના ગ્રાહકો પોતાના દૈનિક ધંધા-રોજગાર બંધ રાખીને આ અનાજ લેવા માટે આવતા હોય છે. એક તરફ દિવાળીનો તહેવાર માથે છે અને બીજી બાજુ બે દિવસથી સર્વર ઠપ્‍પ હોવાથી લોકોમાં ભારે નિરાશા વ્‍યાપી છે. તંત્ર દ્વારા તાત્‍કાલિક સર્વરની સમસ્‍યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોકો માગણી કરી રહ્યા છે.  

(3:07 PM IST)