News of Tuesday, 14th October 2025
દુર્ઘટનાગ્રસ્ત બિલ્ડીંગ ફાયર એનઓસી કે સાધનો હતા જ નહીં
ફાયર વિભાગ ફરી ઉંઘતુ ઝડપાયુઃ કોણ જવાબદાર ? : ગીચ વિસ્તારમાં દીવસે ઘટના થાય તો બચાવના સાધનો પણ ન જઇ શકે તેવી સ્થિતી

રાજકોટ, તા.૧૪: શહેરમાં સોની બજારમાં ગઇકાલે ટીઆરપી ગેમઝોન વાળી થતા થતા રહી ગઇ હતી છતા પાંચ માળની બિલ્ડિંગમાં લાગેલ આગમાં એક વ્યકિતનું મોત નીપજ્યુ છે. ત્યારે ફરી વખત તંત્ર દ્વારા એક બીજા વિભાગ ઉપર જવાબદારીની ફેકાફેંકી કરવાનુ ચાલુ કરી દીધુ છે. ફાયર વિભાગે બિલ્ડિંગના સાધનો અને એનઓસી ન હોવાનું જણાવી હાથ ઉચા કરી દીધા છે.
સોની બજારમાં દિવનાપરામાં આવેલ એક પાંચ માળના બિલ્ડિંગમાં ગઇકાલે રાત્રે આગની દુર્ઘટના સર્જાઇ આ સ્થળે ચાર લોકો આગની લપેટમાં આવી ગયાનું જાણવા મળેલ તેમજ દુર્ઘટનામાં એક વ્યકિતનું મોત નીપજ્યુ છે. જેના લીધે તંત્ર ફરી વખત સફાળુ જાગ્યુ છે અને જવાબદારીની ફેકાફેંકી કરવા લાગ્યુ છે. પાંચ માળના બિલ્ડિંગ માટે ફાયર એનઓસી હતી કે, કેમ ? તે અંગે તપાસ કરતા માલુમ પડેલ કે, જૂના રાજકોટમાં સાકડી ગલ્લીઓમાં આવેલ બિલ્ડિંગોને ફાયર એનઓસી આપવામાં આવ્યા નથી.
આથી દુર્ઘટના વખતે ફાયરના સાધનો ન હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું અને એક વ્યકિતને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. સાંકડી શેરીમાં પાંચ માળનું બિલ્ડિંગ કઇ રીતે ખડકાઇ ગયું તે મુદ્દે ટીપી વિભાગના ઝોન ટાઉન-પ્લાનરે જણાવેલ કે, ૧૦ વર્ષ જૂની બિલ્ડિંગ છે અને આ બિલ્ડિંગને કમ્પ્લીશન સર્ટી મળી ગયેલ છે. પરંતુ ગેરકાયદેસર ડોમ સોલાર પેનલ કવર કરવા માટે બનાવવામાં આવ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
ગઇકાલની દુર્ઘટનામાં ફરી વખત ફાયર સેફટીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. જુના રાજકોટના અનેક વિસ્તારોમાં સાકડી શેરીઓમાં આવેલ ઇમારતો કે, જયાં ફાયર ફાઇટર પહોંચી શકે તેમ નથી. જેના લીધે વિભાગ દ્વારા આવા વિસ્તારોનો સર્વે કરવામા પણ આવ્યો નથી. તેવી જ રીતે ૧૦ વર્ષ પહેલા જૂની એફએસઆઇ મુજબ ૨૦ ફૂટની શેરીમાં પાંચ માળના બાંધકામને મંજૂરી મળવા પાત્ર ન હતી. દુર્ઘટનાએ ફરી એક વખત તંત્રની બેદરકારીને ખુલ્લી પાડી છે.
આ ઘટના બાદ લોકમુખે ચર્ચા જાગી છે કે, ફાયર વિભાગ ગમે ત્યાં ચેકીંગ કરવા જાય છે પણ જુના રાજકોટના ગીચ વિસ્તારમાં તપાસ કરવાના નામે મીંડુ છે. ઉપરાંત જે બિલ્ડીંગમાં નિયમો મુજબ ફાયર સેફટી સાધનો ન હોય અને જો દુર્ઘટના થાય તો જવાબદારી કોની ? તે પ્રશ્ન પણ શહેરીજનોમાં પુછવામાં આવી રહયો છે.
આમ દોઢ વર્ષના ગાળામાં આગની બે મોટી ઘટના છતા હજુ પણ ફાયર તંત્ર નહીં જાગે તો આવી ઘટનાઓના પુનરાવર્તનમાં જાનહાની થવાની શકયતાઓ નકારી ન શકાય.(૬.૧૭)
(3:33 PM IST)










