<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th October 2025

શીતલપાર્ક પાસે ટ્રકના ‘ચોરખાના'માં છુપાવેલા દારૂ સાથે મનસુખ ઝડપાયોઃ દમણથી લાવ્‍યો હતો

માલસામાન ભરી સુરત-વાપી જાય પછી વળતા દારૂ ભરી લાવતો હતો ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં એલસીબી ઝોન-૨ ટીમ આર. એચ. ઝાલા અને ટીમે પકડી ૨.૩૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યોઃ અગાઉ ત્રણ ગુનામાં સંડોવણી

રાજકોટ તા. ૧૫: દિવાળીનો તહેવાર અંતર્ગત દારૂની હેરાફેરી વધી જવાની શક્‍યતા છે. દરમિયાન શહેર એલસીબી ઝોન-૨ ટીમે શીતલ પાર્ક રોડ પરથી ગાંધીગ્રામના એક શખ્‍સને સ્‍વરાજ મઝદા ગાડીમાં છુપાવેલા વિદેશી દારૂના જથ્‍થા સાથે પકડી લીધો છે. આ શખ્‍સે દારૂની હેરાફેરી કરવા માટે પોતાના વાહનમાં ટાયર નીચે પતરાનું ખાસ ચોરખાનુ બનાવડાવ્‍યું હતું. પોતે પીવાની આદત ધરાવતો હોઇ અને છુટક વેંચતો પણ હોઇ પોતે દમણ તરફ માલસામાનનો ફેરો કરવા જાય ત્‍યારે દારૂ પણ ભરી આવતો હોવાનું ખુલ્‍યું હતું.

જાણવા મળ્‍યા મુજબ દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે જામનગર રોડ પરથી શિતલ પાર્ક રોડ એરપોર્ટની દિવાલ તરફ એક સ્‍વરાજ મઝદા ગાડી જીજે૦૩એટી-૧૪૯૪ દારૂ ભરીને આવી રહી હોવાની બાતમી મળતાં ટીમે વોચ રાખી હતી. દરમિયાન બાતમી મુજબની ટ્રક આવતાં તેને અટકાવી તલાસી લીધી હતી. પરંતુ અંદર કે પાછળ ઠાઠામાંથી કંઇ મળ્‍યું નહોતું. પરંતુ આ ટ્રકમાં દારૂ હોવાની પાક્કી બાતમી હોઇ પોલીસે ચાલકની પુછતાછ હાથ ધરી હતી. તેણે પોતાનું નામ મનસુખ કાનજીભાઇ કંબોડીયા (ઉ.વ.૪૮-રહે. અક્ષરનગર મેઇન રોડ, ગાંધીગ્રામ, ઓમ એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૧૦૨) જણાવ્‍યું હતું.

મનસુખે જણાવ્‍યું હતું કે પોતે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને માલસામાન પહોંચાડવાનું કામ કરે છે. પોતાની પાસે કંઇ નહિ હોવાનું રટણ કર્યુ હતું. પણ આકરી પુછતાછ થતાં મઝદામાં પાછળના ટાયર નજીક પતરાથી બનાવેલુ ચોરખાનુ બતાવ્‍યું હતું. પોલીસે તે ખોલાવડાવી ચેક કરતાં અંદરથી એન્‍ટીક્‍યુટી બ્‍લુની ૧૦૮૦૦ની ૬ બોટલ, રોકફોર્ડ વ્‍હીસ્‍કીની રૂા. ૩૬૦૦ની બે બોટલ, ઓકસ્‍મીથ ગોલ્‍ડની ૩૬૦૦ની બે બોટલ, રોયલ સ્‍ટેગની રૂા. ૧૩૦૦૦ની ૧૦ અને ઇમ્‍પીરીયલ બ્‍લુની ૪૪૦૦ની ૪ બોટલ મળી આવતાં તે અને ૨ લાખની ગાડી મળી કુલ રૂા.૨,૩૫,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી મનસુખની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં ખુલ્‍યા મુજબ આ શખ્‍સ અગાઉ એ-ડિવીઝનમાં જૂગાર, ગાંધીગ્રામમાં રાયોટીંગ-હત્‍યાની કોશિષ અને દારૂના ગુનામાં પકડાયો હતો. તે અગાઉ પણ ચોરખાના મારફત દમણથી દારૂ લાવ્‍યો હતો. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની રાહબરીમાં પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા અને કોન્‍સ. કુલદીપસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. (૧૪.૯)

(2:13 PM IST)