<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

૩૩ ગુનામાં સામેલ અશોક સિંધવ આસ્‍થા ચોક ડો.આંબેડકર ભવન અંદર દારૂ વેંચતા ઝડપાયો

દારૂ-જૂગાર-મારામારી-લૂંટ-ધાકધમકી-રાયોટીંગ સહિતમાં ચડી ચુક્‍યો છે પોલીસ ચોપડે માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલની ટીમે રૂપિયા ૬૬૯૨૦ના જથ્‍થા સાથે ઝડપી લીધોઃ અગાઉ ત્રણ વખત ખાઇ ચુક્‍યો છે પાસાની હવા


 

રાજકોટ તા. ૧૬: આગામી દિવાળી તહેવાર અંતર્ગત દારૂની રેલમછેલ થતી રોકવા પોલીસ સક્રિય બની છે. દરમિયાન માલવીયાનગર પોલીસે ૧૫૦ રીંગ રોડ આસ્‍થા ચોક પાસે આંબેડકરનગર-૧૨માં આંબેડકરભવનની અંદર દરોડો પાડી દેવપરાના ૩૨ જેટલા ગુનાઓમાં સામેલ શખ્‍સને રૂા. ૬૬૯૨૦ના વિદેશી દારૂના જથ્‍થા સાથે ઝડપી લીધો છે.

માલવીયાનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમને બાતમી મળી હતી કે આસ્‍થા ચોક આંબેડકરનગર-૧૨ના આંબેડકરભવનની અંદર વિદેશી દારૂ રાખીને અશોક નામનો શખ્‍સ વેંચાણ કરે છે. આ બાતમી પરથી દરોડો પાડવામાં આવતાં રૂા. ૬૬૯૨૦ની કિમતના ઓલ સીઝન વ્‍હીસ્‍કીના ૪૭૮ નંગ ૧૮૦ એમએલના ચપલા મળી આવ્‍યા હતાં. પોલીસે આ દારૂના જથ્‍થા સાથે અશોક ગોવિંદભાઇ સિંધવ (ઉ.વ.૪૭-રહે. મહાત્‍મા ગાંધી સોસાયટી-૧, દેવપરા પાસે નિલકંઠ પાર્ક રોડ)ની ધરપકડ કરી હતી.

પોલીસે દારૂનો જથ્‍થો ઉપરાંત ૫૦ હજાર અને ૨૦ હજારના બે મોબાઇલ ફોન મળી ૧,૩૬,૯૨૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ અશોક સિંધવ અનેક ગુનાઓમાં સામેલ છે. તેના વિરૂધ્‍ધ મારામારી, અપહરણ, દારૂ, ધમકી, જૂગાર, હદપાર ભંગ, મારામારી, રાયોટીંગ, લૂંટ સહિતના ૩૨ ગુનાઓ ભક્‍તિનગર પોલીસ, ગાંધીગ્રામ, માલવીયાનગર, ડીસીબી, પ્ર.નગર, સુરેન્‍દ્રનગર, માલવીયાનગર, યુનિવર્સ્‍ટિી પોલીસમાં નોંધાઇ ચુક્‍યા છે. તેમજ ત્રણ વખત અગાઉ તે પાસા તળે જેલની હવા ખાઇ ચુક્‍યો છે.

હવે તેણે ગોંડલ રોડ આંબેડકરનગરમાં આવેલા આંબેડકર ભવન ખાતેથી દારૂ વેંચવાનું ચાલુ કર્યુ હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ, ડી. એસ. ગજેરા, એએસઆઇ કેતનભાઇ શેખલીયા, હીરેનભાઇ પરમાર, હેડકોન્‍સ. અજયભાઇ વીકમા, ચિત્રકેતુસિંહ ઝાલા, કોન્‍સ. મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, જયદિપસિંહ ભટ્ટી, અમરદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. (૧૪.૭)

(3:32 PM IST)