News of Friday, 17th October 2025
સાત મહિના પહેલા જ પરણેલી કાજલબેને આપઘાત કરી લીધો
સરધારના ખડવાવડી માવતર ધરાવતી યુવતિએ જસદણના કનેસરામાં સાસરીયે પગલુ ભર્યુઃ સાસુ સાથેનો કલેશ કારણભુત હોવાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૭: વધુ એક નવોઢાએ જિંદગી ટુંકાવી લીધી છે. સાત મહિના પહેલા જ લગ્નબંધને બંધાયેલી ૨૫ વર્ષની યુવતિએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. રાજકોટના સરધાર નજીક માવતર ધરાવતી આ યુવતિના લગ્ન જસદણના કનેસરા ગામે થયા હતાં. અગાઉ તેણી ત્રણ મહિના રિસામણે પણ આવી હતી, બાદમાં સમાધાન થતાં પરત સાસરે ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ જસદણના કનેસરા ગામે રહેતી કાજલબેન સાગર મેણીયા (ઉ.વ.૨૫) નામની પરિણીતાએ સવારે સાડા પાંચેક વાગ્યે ઘરે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનો બનાવ બનતાં અરેરાટી વ્યાપી ગઇ છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ભાડલા પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર કાજલબેનના લગ્ન સાત મહિના પહેલા જ થયા હતાં. તેણીનો પતિ સાગર ચકાભાઇ મેણીયા ખેતી કરી ગુજરાન ચલાવે છે. પિતા જેરામભાઇ ભીમાભાઇ કુમારખાણીયા સરધારના ખડવાવડી ગામે રહે છે. તેણી ચાર બહેન અને એક ભાઇમાં નાની હતી. તેના પિતા પણ ખેત મજૂરી કરે છે. માવતર પક્ષે જણાવ્યું હતું કે અગાઉ કાજલને સાસુ ગીતાબેને તને કામ નથી આવડતું કહી બોલાચાલી કરી હતી. આથી તેણી રિસામણે આવી હતી અને ત્રણ મહિના બાદ સમાજ મારફત સમાધાન થતાં તેણી પરત સાસરે ગઇ હતી. ત્રણ દિવસ પહેલા તેણી માવતરે આટો મારવા આવી હતી. ત્યાં આજે તેણીએ આ પગલુ ભરી લીધું હતું. દિકરીના આપઘાતના વાવડથી માવતર પક્ષમાં કલ્પાંત સર્જાયો હતો. ભાડલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(2:54 PM IST)










