તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Friday, 17th October 2025
રાજકોટમાં ૬ થી ૭ હજાર ફ્લેટનો કમ્પ્લીસન સર્ટિફિકેટનો પ્રશ્ન ઉકેલાયો : રાજ્ય સરકારે બિલ્ડરોના ‘ફ્લાવર બેડ’ મુદ્દે માંગણી સ્વીકારી
પ્રજાના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય : ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને સાંસદ પરષોત્તમભાઈ રૂપાલાની રજૂઆત બાદ બિલ્ડરોને જંત્રી મુજબ પેનલ્ટી ભરીને મંજૂરી મેળવવાની શરતે રાહત : છેલ્લા દોઢ વર્ષથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ આવતા હજારો ફ્લેટ માલિકોમાં આનંદ

વિજય વસાણી, અકિલા દ્વારા: રાજકોટ શહેરના હજારો ફ્લેટ માલિકો અને બિલ્ડરો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી રાજકોટના અંદાજે છથી સાત હજાર ફ્લેટમાં 'ફ્લાવર બેડ'ના વિવાદને કારણે 'કમ્પ્લીસન સર્ટિફિકેટ' (Completion Certificate)નો જે પ્રશ્ન પડતર હતો, તેનો આખરે સુખદ ઉકેલ આવી ગયો છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશને આ ગંભીર મુદ્દે સ્થાનિક ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા અને સાંસદ પરષોત્તમભાઈ રૂપાલા સમક્ષ રજૂઆત કરી હતી. આ બંને આગેવાનોએ સતત અને વારંવાર સરકારમાં દબાણપૂર્વક રજૂઆતો કરતા, રાજ્ય સરકારે પ્રજાના હિતમાં આ અંગે નિર્ણય લીધો છે.
રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, બિલ્ડરો જંત્રી (સરકારી ભાવ) મુજબની રકમ પેનલ્ટી તરીકે ભરશે તો તેમને આ ફ્લેટ્સ માટે કમ્પ્લીસન સર્ટિફિકેટની મંજૂરી આપી દેવામાં આવશે. સરકારના આ નિર્ણયને કારણે હજારો ફ્લેટ માલિકોને પોતાની મિલકતના કાયદેસર દસ્તાવેજો મેળવવાનો રસ્તો ખુલ્લો થતાં, સમગ્ર રાજકોટના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
(8:14 PM IST)










