<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th October 2025

રાજકોટની પરિણીતાને ઓડિયો-વિડીયો કોલ કરી અંકલેશ્વરના લલીતના બિભત્‍સ ચાળાઃ આઇ લવ યુનો મેસેજ કરી દીધો!

પરિણીતાને અંકલેશ્વર પંથકમાં જમીન વેંચવી હોઇ ફેસબૂક થકી સંપર્ક કરતાં અંકલેશ્વરના શખ્‍સે મોબાઇલ નંબર આપ્‍યા પછી વાતચીત શરૂ કરી હદ વટાવી : એક વાર તું અહિ આવ તો હોટેલમાં મોજ કરશું એવું કહી માફી માંગી લીધીઃ પછી વિડીયો કોલ કરી ઓફિસ બતાવી કહ્યું આ આખી કંપની મારી છે, સતત હેરાનગતિઃ યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: શહેરમાં રહેતી એક પરિણીતાને અંકલેશ્વર પંથકમાં જમીન વેંચવાની હોઇ આ માટે તેણે પોતાના ફેસબૂક એકાઉન્‍ટમાંથી અંકલેશ્વરના લલિત નામના શખ્‍સનો સંપર્ક કરી મોબાઇલ નંબર મેળવી વાત ચાલુ કરતાં આ શખ્‍સે બાદમાં વ્‍હોટ્‍સએપમાં મેસેજ, ઓડિયો-વિડીયો કોલ કરી તમે એકવાર આવો તો આપણે હોટેલમાં મજા કરશું તેમ કહી બાદમાં વિડીયો કોલ કરી બિભત્‍સ ચાળા કરતાં અને આઇ લવ યુના મેસેજ મોકલી તેમજ તું જો મારી કંપનીમાં આવી જા તો મહિને ૨૫ હજાર પગાર આપીશ, બીજા અઢળક રૂપિયા આપીશ તેમ કહી ઓફિસ બતાવી આ આખી કંપની મારી છે, તારે ખાલી મારુ ધ્‍યાન રાખવાનું તને કોઇ તકલીફ નહિ પડવા દઉં તેમ કહી હેરાન પરેશાન કરતાં પરિણીતાએ પોલીસને જાણ કરી છે. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ૨૯ વર્ષના યુવતિની ફરિયાદ પરથી ભરૂચના અંકલેશ્વરના લલીત બચુભાઇ કાપડીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

યુવતિએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. મારે એક દિકરો છે. મારા પતિ મોરબી પંથકમાં રહે છે. અમારે અણબનાવ હોવાથી હું હાલ રાજકોટ રહુ છું. મારા સાસુની જમીન અંકલેશ્વરના લિમેટ ગામમાં ભાયુ ભાગની સંયુક્‍ત છે. આ જમીન વેંચવાની છે તેવી ખબર પડતાં મેં મારા ફેસબૂક પર ભરૂચ અંકેલેશ્વરના લલીત કાપડીયાને ફેસબૂકમાં કોમેન્‍ટ કરી હતી. એ પછી તેણે  મને તેનો મોબાઇલ નંબર આપ્‍યો હતો અને મારી સાથે ફોનમાં વાત કરી હતી. મેં તેને જમીનની વિગતો આપી હતી. તેણે પોતે મારુ કામ કરાવી આપશે અને જમીન અપાવી દેશે તેવી વાત કરી હતી.

ત્‍યારબાદ તે લલીત મને વ્‍હોટ્‍સએપમાં મેસેજ મોકલતો અને વિડીયો કોલ કરીને વાત કરતો હતો. હું એકલી હોઇ પ્રાઇવેટ નોકરી કરતી હોઇ જે વાત મેં તેને કરી હતી. હું એકલી રહુ છું તેની જાણ તેને થતાં ૨૫/૯ના રોજ તેણે વ્‍હોટ્‍સએપમાં મેસેજ કરી કહેલું કે-તમે એક દિવસ આવો પછી આપણે હોટેલમાં રહી મજા કરીશું. આથી મને આવી વાતનો આઘાત લાગ્‍યો હતો. તે મારી નારાજગી સમજી જતાં માફી માંગી લીધી હતી. આ પછી લલીતની લિમત વધી ગઇ હતી અને મારા ફોનમાં બિભત્‍સ મેસેજ મોકલવાનું ચાલુ કરી દીધુ હતું. ૨૬/૯ના બપોરે તેણે મને વિડીયો કોલ કર્યો હતો, જેમાં તે મોટી ઓફિસમાં એકલા હોઇ અને હું નોકરીના સ્‍થળે હોઇ તેણે વિડીયો કોલમાં ઓફિસ બતાવી કહેલુ કે આ આખી કંપની મારી છે, હું અહિ સર્વેસર્વા છું તેમ કહી ચાલુ વિડીયો કોલમાં બિભત્‍સ ચાળા ચાલુ કર્યા હતાં. આથી હું ગભરાઇ ગઇ હતી અને કોલ કટ કરી નાંખ્‍યો હતો. આ પછી તેણે ફરીથી મારી માફી માંગી હતી

ત્‍યારબાદ તેણે ઓડિયો વ્‍હોટ્‍સએપ કોલ કર્યો હતો અને ફરી માફી માંગી કહ્યું હતું કે-હું તને જોઇને આવેશમાં આવી ગયો હતો! મારી ઇચ્‍છા છે કે તને કાયમી અંકલેશ્વર મારી કંપનીમાં બોલાવી નોકરી આપુ, મારી પાસે અઢળક પૈસા છે, તને ૨૫ હજાર મહિને પગાર આપીશ, તારે ખાલી મારુ ધ્‍યાન રાખવાનું તને કોઇ તકલીફ પડવા નહિ દઉ, અઢળક બીજા રૂપિયા પણ આપીશ તેવી વાત કરી હતી.

આથી મેં લલીતભાઇને કહેલું કે મારી સાથે તમે આવી વાત ન કરતાં અને ખરાબ મેસેજ ન મોકલતાં. મારે અંકલેશ્વરમાં જમીનનું કામ હોઇ એ કારણે જ હું તેની સાથે વાત કરતી હતી, તેણે પણ કામ કરાવી આપશે તેવું કહ્યું હતું. પરંતુ બાદમાં મને વ્‍હોટ્‍સએપમાં મેસેજ, કોલ કરી બિભત્‍સ ચાળા કરવાનું ચાલુ કર્યુ હતું. એ પછી ૨૯/૯ના રોજ તેણે આઇ લવ યુનો મેસેજ પણ મોકલી દીધો હતો. આ રીતે તે સતત મને પરેશાન કરતાં હોઇ અંતે મારી ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં મહિલાએ જણાવતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્‍સ.  જી. એસ. ઝાલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:20 PM IST)