<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th October 2025

રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસે બનાવઃ લોનથી લીધેલા ફ્રીઝના હપ્‍તાની ઉઘરાણી કરતાં ભાવેશભાઇ પર વિરેન્‍દ્રસિંહ અને બે અજાણ્‍યા શખ્‍સનો હુમલો

જાનથી મારી નાખવાની ધમકી પણ આપતાં બી-ડિવીઝનમાં ફરિયાદ

રાજકોટઃ શહેરના મોરબી રોડ જુના જકાતનાકા પાસે જય વેલનાથ ગ્રુપ નામની ઓફિસની સાથે આવેલી શરાફી મંડળી તથા ઇલેક્‍ટ્રોનિક આઇટમની દૂકાનમાં કલેકશન વિભાગમાં નોકરી કરતાં ભાવેશભાઇ ધનજીભાઇ ડાભી (ઉ.વ.૫૧-રહે. કિસાનપરા-૩) ઉપર વિરેન્‍દ્રસિંહ ગોહિલ અને બે અજાણ્‍યાએ દૂકાનમાં ઘુસી ગાળો દઇ સાફસફાઇ માટેની વાઇપર સ્‍ટીકથી હુમલો કરી માર મારી માથે જતાં મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ અંગે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો છે. ભાવેશભાઇએ કહ્યું હતું કે હું જય વેલનાથ ગ્રુપની ઓફિસની સાથે જ આવેલી સહકારી મંડળી અને ઇલેક્‍ટ્રીકના શો રૂમમાં કલેકશનની કામગીરી સંભાળુ છું. અમારી દુકાનેથી ત્રણ વર્ષ પહેલા વિરેન્‍દ્રસિંહ  હપ્‍તેથી ફ્રીઝ લઇ ગયા હતાં. પરંતુ તે નિયમીત ફ્રીઝના હપ્‍તા ભરતાં ન હોઇ હું કલેકશનની કામગીરી સંભાળતો હોવાથી મેં તેની પાસે હપ્‍તાની  ઉઘરાણી કરી હતી. આ કારણે એક મહિના પહેલા બોલાચાલી થઇ હતી. બાદમાં આ બાબતનો ખાર રાખી તેણે શુક્રવારે રાતે બે શખ્‍સો સાથે અમારી દુકાને આવી ઝઘડો કરી મને માર મારી ગાળો દઇ ધમકી આપી હતી. હવે પછી કોઇ દિવસ કોલ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી વિરેન્‍દ્રસિંહ અને બે શખ્‍સો ભાગી ગયા હતાં. મને મારા શેઠનો દિકરો સારવાર માટે લઇ ગયો હતો. ગભરાઇ ગયો હોવાથી મેં ફરિયાદ કરી નહોતી. પણ સગા પરિવારે હિમ્‍મત આપતાં પોલીસને જાણ કરી હતી. બી-ડિવીઝન પીએસઆઇ ડી. બી. ગાધેએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:48 AM IST)