<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st October 2025

‘ચંદ્રેશ જુગારી છે' એવું દિવાલ પર લખી રહેલા અમન અને તેના પિતા અમિતને અટકાવતાં કમલ મુલિયાણાની હત્‍યા

મોબાઇલમાં લૂડો રમતી વખતે પૈસાની લેતીદેતી મામલે બોલાચાલી થયા પછી બ્રહ્મસમાજ ચોકમાં રહેતાં કોળી-પિતા પુત્ર અમિત અને અમન જતાં રહ્યા બાદ ફરી આવ્‍યા અને ડખ્‍ખો જામટાવર પાસે સીએલએફ ક્‍વાર્ટરમાં સાંજે થયેલી હત્‍યાનો ભેદ ગણતરીના સમયમાં ખુલ્‍યોઃ એક સકંજામાં: પ્ર.નગર પોલીસે મૃતકના પત્‍નિ કાજલબેન મુલિયાણાની ફરિયાદ નોંધી હતી

રાજકોટ તા. ૨૧: શહેરમાં આંબેડકરનગરમાં ત્રણ હત્‍યાની ઘટનાની તપાસ હજુ ચાલુ હતી ત્‍યાં સોમવારે સાંજે ચોથી હત્‍યાની ઘટના જામનગર રોડ સીએલએફ ક્‍વાર્ટર કમ્‍પાઉન્‍ડમાં બાપા સિતારામના ઓટા પાસે બની હતી. ગાંધીગ્રામ અક્ષરનગર-૪માં રહેતાં રિક્ષાચાલક કમલભાઇ બિપીનભાઇ મુલીયાણા (ઉ.વ.૩૦)ને પળા, પડખાના ભાગે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં રહેતાં કોળી શખ્‍સ સાથે  મોબાઇલમાં લુડો રમતી વખતે પૈસાની લેતી દેતી મામલે બોલાચાલી થયા બાદ આ શખ્‍સને તેનો પુત્ર લઇને જતો રહ્યો હતો. થોડીવાર બાદ પિતા-પુત્ર ફરી આવ્‍યા હતાં અને તે દિવાલ પર ‘ચંદ્રેશ જુગારી છે' એવુ લખાણ લખતા હોઇ કમલભાઇએ તેને પોતાના મિત્ર વિશે આવુ લખવાની ના પાડતાં  માથાકુટ થઇ હતી અને પિતા-પુત્રએ છરીના ઘા ઝીંકી હત્‍યા કરી હતી. પોલીસે એકને સકંજામાં લઇ લીધો હતો.

બનાવની જાણવા મળેલી વિગતો મુજબ સીએલએફ ક્‍વાર્ટરના કમ્‍પાઉન્‍ડમાં આવેલા બાપા સિતારામના ઓટા પાસે સાંજે એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવા, રાઇટર રવિભાઇ વાઘેલા, ઇમ્‍તિયાઝભાઇ સહિતે ઘટના સ્‍થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. ડીસીપી જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઇ, એસીપી રાધિકા દેસાઇ પણ પહોંચી ગયા હતાં. પોલીસે તપાસ કરતાં હત્‍યાનો ભોગ બનનાર યુવાન ગાંધીગ્રામ અક્ષરનગર-૪માં રહેતો કમલભાઇ બિપીનભાઇ મુલીયાણા હોવાનું ખુલ્‍યું હતું. તેના પત્‍નિ કાજલબેન મુલીયાણાની ફરિયાદ પરથી રૈયા રોડ બ્રહ્મસમાજ ચોકમાં રહેતાં અમિત કોળી અને તેના પુત્ર અમન અમિત કોળી સીહતની સામે હત્‍યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

કાજલબેને જણાવ્‍યું હતું કે હું પતિ કમલ, દિકરી બંસી જે આઠ વર્ષની છે અને મારા સાસુ-સસરા, દિયર સાથે રહુ છું. સાંજે સાડા પાંચેક વાગ્‍યે ઘરે હતી ત્‍યારે મારા દિયર દેવ મુલીયાણાએ મને વાત કરી હતી કે મને કુશલનો ફોન આવ્‍યો છે અને તેણે કહ્યું છે કે કમલભાઇને છરી લાગી ગઇ છે, તમે જામટાવર ચોક પાસે સીએલએફ ક્‍વાર્ટરે આવો. આથી હું અને મારા દિયર ત્‍યાં પહોંચતા મારા પતિ લોહીલુહાણ પડયા હતાં. મારા ફઇના દિકરા અમિતભાઇ કિશોરભાઇ લીડીયા પણ હાજર હતાં. અમિતભાઇ લીડીયાએ મને કહ્યું હતું કે-સાંજે પોણા પાંચેક વાગ્‍યે અમે ક્‍વાર્ટરના બાપા સિતારામના ઓટા પાસે હતાં અને મોબાઇલ ફોનમાં બધા લુડો રમતાં હતાં. આ વખતે પૈસાની લેતીદેતી મામલે અમારે બ્રહ્મસમાજ ચોકના અમિત કોળી સાથે બોલાચાલી થઇ હતી.

આ પછી અમિત કોળીનો દિકરો અમન આવ્‍યો હતો અને તેના પિતા અમિતને લઇને જતો રહ્યો હતો. થોડીવાર પછી ફરીથી આ બાપ-દિકરો આવ્‍યા હતાં અને અમિત કોળીએ પોતાના  દિકરા અમનને કહેલે તું કે તું  દિવાલ પર એવું લખ કે ચંદ્રેશ જુગારી છે. આથી અમન દિવાલ પર ‘ચંદ્રેશ જુગારી છે' એવુ લખવા જતો હતો ત્‍યારે કમલભાઇએ તેને આવુ લખવાની ના પાડતાં અમિત અને તેના દિકરા અમને ગાળો દીધી હતી. કમલભાઇએ ગાળો દેવાની ના પાડતાં અમિત અને અમને વધુ ગાળો દઇ ઝઘડો કર્યો હતો. એ દરમિાયન અમિતે છરી કાઢી કમલભાઇને ગળા અને પડખાના ભાગે ઘા મારી દીધા હતાં. બાદમાં આ બંને ભાગી ગયા હતાં. મારા પતિ સાથે માથાકુટ થઇ ત્‍યારે કિશોરભાઇ, અફઝલભાઇ, અશોકભાઇ, કેયુરભાઇ પણ હતાં. તેમ મારા ફઇના દિકરા અમિતભાઇ લીડીયાએ મને કહ્યું હતું. તેમ વધુમાં કાજલબેને કહેતાં પોલીસે ગુનો નોંધ્‍યો હતો. દરમિયાન  એક આરોપી અમન પોલીસના હાથમાં આવી ગયો હોઇ તેના પિતાની શોધખોળ થઇ રહી છે.

હત્‍યાનો ભોગ બનનાર કમલભાઇ એક બહેનથી નાનો હતો અને રિક્ષા હંકારતો હતો. તેના પિતા સીઆઇડી ક્રાઇમ કચેરીમાં અગાઉ પ્‍યુન હતાં. કમલભાઇ વર્ષોથી જ્‍યાં હત્‍યા થઇ એ સ્‍થળે બેઠક ધરાવતો હતો. દિવાળીના દિવસે જ હત્‍યાની આ ઘટનાથી મુલીયાણા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. 

(2:14 PM IST)