<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

રાજકોટના આંબેડકરનગરમાં કાળી ચૌદસની રાત્રે થયેલ 'ટ્રિપલ મર્ડર' માં બે આરોપીની ધરપકડ : કારે બાઇકને અડફેટે લેતા થયેલી બોલાચાલીમાં એક જ પરિવારના બે સગા ભાઈ સહિત ૩ યુવાનની ઘાતકી હત્યાથી ખળભળાટ

હત્યા સમયે મદદગારી કરનારા બે આરોપી જગદીશ અને મનીષની પોલીસે કરી ધરપકડ : હુમલામાં પરમાર પરિવારના ૬ સભ્યો ગંભીર રીતે ઘાયલ : ધોકા, છરી અને પાઇપ જેવા ઘાતકી હથિયારો CCTV ફૂટેજના આધારે અન્ય આરોપીઓની ઓળખ શરૂ

રાજકોટ, તા. ૨૨ ઓક્ટોબર: દિવાળીના તહેવારો વચ્ચે રાજકોટ શહેરમાં કાળી ચૌદસની મોડી રાત્રે ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલા આંબેડકર નગરમાં થયેલી સશસ્ત્ર જૂથ અથડામણમાં ટ્રિપલ મર્ડરની સનસનાટીભરી ઘટનાથી સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સામાન્ય વાહન અકસ્માત અને 'વાહન સરખું ચલાવવા' બાબતે ઠપકો આપવા જેવી નજીવી વાત ખૂની ધીંગાણામાં પરિણમી હતી, જેમાં બે સગા ભાઈઓ સહિત કુલ ત્રણ યુવાનોના મોત થયા હતા.
કેવી રીતે સર્જાયો હત્યાકાંડ?
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ, ગત તારીખ ૨૦.૧૦.૨૦૨૫ના રોજ મોડી રાત્રે આંબેડકર નગરમાં ૪૫ વર્ષીય સુરેશભાઈ વશરામભાઈ પરમાર તેમના ઘર પાસે હતા. તે સમયે કારમાં નીકળેલા કેટલાક શખ્સોએ એક બાઇકને અડફેટે લેતા સામાન્ય અકસ્માત સર્જાયો હતો. સુરેશભાઈએ કારચાલકને વાહન જોઈને ચલાવવા માટે ઠપકો આપતા સામાન્ય બોલાચાલી થઈ હતી, ત્યારબાદ કારમાં આવેલા શખ્સો નીકળી ગયા હતા.
જોકે, રાત્રે ૧.૦૦ વાગ્યાની આસપાસ આશરે પાંચથી સાત જેટલા હુમલાખોરો ધોકા, છરી અને પાઇપ જેવા ઘાતકી હથિયારો સાથે સુરેશભાઈના ઘરે પરત ફર્યા હતા અને ગાળાગાળી કરીને હુમલો કર્યો હતો.
ત્રણ યુવાનોના ઢળ્યા ઢળી પડ્યા લોથ
આ સામસામા ધીંગાણામાં નીચે મુજબના યુવાનો ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા:
 * સુરેશભાઈ પરમાર (ઉંમર ૪૫): પરમાર પરિવારના મોટા ભાઈ.
 * વિજયભાઈ પરમાર (ઉંમર ૪૦): સુરેશભાઈના સગા ભાઈ.
 * અરુણ વિનુભાઈ રાઠોડ (ઉંમર ૨૨): સામા પક્ષે હુમલો કરનાર યુવાન.
પરમાર પરિવારના ૬ સભ્યો ઘાયલ
ખૂની હુમલામાં સુરેશભાઈના પત્ની ભારતીબેન, ભાઈ જગદીશ પરમાર, વિજયના પત્ની હંસાબેન, વિજયનો પુત્ર સુધીર, તેમજ તેમના માતા-પિતા વશરામભાઈ અને દેવુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ તમામને તાત્કાલિક સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે અરુણ રાઠોડના મોટાભાઈ રમણ રાઠોડ (ઉંમર ૨૫) પણ ઘવાતા તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
પોલીસે બે આરોપીની કરી ધરપકડ
માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા આ ગંભીર હત્યાના બનાવમાં ફરિયાદી સુધીર પરમારની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. રાજકોટ શહેર પોલીસના ACP બી.જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓ, જગદીશ ઉર્ફે જગો રામજી ચૌહાણ (ઉ.વ.૨૯) અને *મનીષ રમેશ ખીમસુરીયા (ઉ.વ.૨૦)*ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ તપાસમાં આ બંને આરોપીઓ હત્યા સમયે હાજર હતા અને હત્યાના બનાવમાં મદદગારી કરી હોવાનું સામે આવ્યું છે. PI જીજ્ઞેશ દેસાઈની આગેવાની હેઠળની ટીમે સીસીટીવી ફૂટેજ ચકાસી અન્ય આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
ટ્રિપલ મર્ડરની જાણ થતાં જ DCP જગદીશ બાંગરવા, DCP રાકેશ દેસાઈ, PI જિજ્ઞેશ દેસાઈ, PSI એમ.જે. ધાધલ, LCB ઝોન ૨, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

(12:13 PM IST)