News of Saturday, 25th October 2025
દિલ્હી ક્રાઇમ બ્રાંચના નામે રાજકોટની યુવતિને ડરાવી ફરિયાદમાંથી નામ કાઢવાના નામે સાયબર ફ્રોડઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો
તમારા ઇ-મેઇલ આઇડીનો ખોટો ઉપયોગ કરી ખરાબ વેબસાઇટમાં થયો છેઃ તમારા સામે ફરિયાદ થઇ છે, તેમાંથી નામ કઢાવવું હોય તો ફાઇલ બનાવડાવવી પડશે તેમ કહી ત્રણ કટકે રૂા. ૬૭૮૦૦ મેળવી લીધા

રાજકોટઃ શહેરના રૈયા રોડ બાપા સિતારામ ચોક ગણેશ એપાર્ટમેન્ટ-૩૦૫માં ભાડેથી પી.જી.માં રહેતાં મુળ રાજકોટના ખેરડી ગામના ૨૮ વર્ષના યુવતિને તા. ૯ ઓક્ટોબરના રોજ અજાણ્યા શખ્સે ફોન કરી તમારા ઇ-મેઇલ આઇડીનો ખરાબ વેબ સાઇટમાં ઉપયોગ થયો છે, હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી બોલુ છું, તમારા વિરૂધ્ધ ફરિયાદ થઇ છે તેમ કહી ડરાવી ધમકાવી ઓનલાઇન રૂા. ૬૭૮૦૦ ટ્રાન્સફર કરાવડાવી ઠગાઇ કરતાં પોલીસે બે અલગ અલગ મોબાઇલ નંબરના ધારકો અને ગૂગલ પેથી જેમાં રૂપિયા ટ્રાન્સફર થયા તે ત્રણ અલગ અલગ મોબાઇલ ફોનના ધારકો સામે ગુનો નોંધ્યો છે.
યુનિવર્સિટી પોલીસે આ બારામાં યુવતિની ફરિયાદ પરથી એફઆઇઆર દાખલ કરી તપાસ શરૂ કરી છે. યુવતિએ જણાવ્યું છે કે હું પી.જી.માં ભાડેથી રહુ છું અને મારી સાથે બીજી યુવતિઓ પણ રહે છે. ગત ૦૯/૧૦/૨૦૨૫ ના રોજ હું મારા રૂમે હતી ત્યારે મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે- હું કેન્દ્ર સરકારમાથી બોલુ છુ અને ક્રાઇમ બ્રાન્ચ દિલ્હીથી બોલુ છુ. તમારા મેઇલ આઈડીનો ખરાબ વેબ સાઇટમા ગેર ઉપયોગ થયેલ છે. જેથી તમારા વિરૂધ્ધ ફરીયાદ થયેલ છે. ફરીયાદમાથી તમારૂ નામ કાઢવુ હોય તો તેના માટે તમારે મોબાઇલ નંબર ૬૩૭૬૬ ૨૭૫૫૭ મા તમે વોટસએપ કોલથી વાત કરવી પડશે, તમારા નામની ફાઇલ બનાવવી પડશે અને જે તમારી ફાઇલ મોકલે તે મને મોકલી આપજો જેથી મે સવારે આશરે સવા અગ્યારેક વાગ્યે આ મોબાઇલ નંબર ૬૩૭૬૬ ૨૭૫૫૭મા વોટસએપ કોલ કરેલ અને આ સામેવાળા એ મને કહેલ કે તમે તમારા મેઈલ આઈ.ડી નો મીસયુઝ કરવામા હદપાર કરી નાખી છે અને એના માટે તમારે ખુબજ વધુ ફાઇન (દંડ) ભરવો પડશે અને તમારી ફાઈલ બનાવા માટે રૂ ૧૨૯૦૦ ભરવા પડશે જેથી મે મારા ગુગલ પેમાથી સામેવાળાએ બતાવેલ મોબાઇલ નંબર ૮૮૬૨૯૫૮૩૨૧ મા મે ગુગલ પે થી રૂપીયા ભરે લ હતા.
ત્યારબાદ મારી પાસે રૂપીયા ભર્યા છે તેનો સ્ક્રીન શોટ માંગેલ જે મે મોકલેલ હતો જેથી આ સામેવાળા એ મને જણાવેલ કે તમારો મોબાઇલ નંબર રીમુવ નથી થતો જેથી ૧૮૪૦૦ ભરવા પડશે જેથી મે ફરી સામેવાળાએ બતાવેલ મો. ન ૮૩૭૫૦ ૫૧૪૩૪ મા રૂ ૧૮૪૦૦/- ગુગલ પે દ્રારા ભરેલ હતા. આ પછી ફરીથી તેણે કહેલું કે હજુ તમારી હજુ ફાઇલ બનતી નથી જેથી રૂ. ૩૬૫૦૦ ભરવાનુ કહેતા મને સામેવાળાએ બતાવેલ મો.નં ૭૨૯૦૦ ૧૭૯૩૪માં રૂ ૩૧૫૦ ૦ ગુગલ પે થી ભરેલ હતા. એ પછી હજુ ફાઇલ બનતી નથી તેમ કહી વધુ રૂ. ૩૨૦૦૦ની માંગણી કરેલ પરંતુ મને શંકા જતા મે વધુ રૂપીયા ભરેલ નહી.
આમ મને ખોટી ઓળખ આપી મારા મેઈલ આઈડીનો ખરાબ વેબસાઇટમા ઉપયોગ થયેલ છે તેમ જણાવી મારા વિરુધ્ધ ફરીયાદ થયેલ છે તેવી બીક બતાવી મારી પાસે કટકે કટકે રૂ ૬૭૮૦૦ ઓનલાઇન ભરાવડાવી છેતરપીંડી કરવામાં આવી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં હેડકોન્સ. નીલેષભાઇ વાવેચાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
(11:14 AM IST)










