<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

દિવાળીના તહેવારોમાં રાજકોટમાં લોહીયાળ ઘટનાઓ યથાવત : ગાળાગાળીના મામલે મનહરપુરના યુવાન વિજય સોલંકીની ઘંટેશ્વર ૨૫ વારીયા પાસે છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા

હત્યાના છઠ્ઠા બનાવથી શહેરમાં સનસનાટી : ૩૦ વર્ષીય દેવીપૂજક યુવાન વિજય સોલંકીને ગળાના ભાગે છરીના ઘા મારી પતાવી દેવાયો : જૂના મનદુઃખમાં ગાળો બોલવાના મામલે ધર્મેશ બ્રાહ્મણ નામના આરોપીની LCB ઝોન-૨ દ્વારા તત્કાળ ધરપકડ

રાજકોટ : દિવાળીના તહેવારોની મોસમમાં રાજકોટમાં લોહી રેડાવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવતાં સનસનાટી મચી ગઈ છે. જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તારમાં સાંજના સુમારે ગાળો બોલવાના મામલે એક યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે. તહેવારોના દિવસોમાં રાજકોટમાં બનેલી હત્યાની આ છઠ્ઠી ઘટના છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ઘંટેશ્વર ૨૫ વારીયા વિસ્તારમાં સાંજે માધાપર પાસેના મનહરપુર ગામના રહેવાસી વિજય ચુનીભાઈ સોલંકી (ઉ.વ.૩૦) નામના દેવીપૂજક યુવાનની ગળાના ભાગે છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી.
ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ, એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) ઝોન-૨ ની ટીમે ઝડપથી કાર્યવાહી કરીને હત્યાના આરોપી ધર્મેશ રમેશભાઈ બ્રાહ્મણ ને પૂછપરછ માટે સકંજામાં લઈ લીધો છે.
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, મૃતક વિજય સોલંકીએ જૂના મનદુઃખના કારણે આરોપી ધર્મેશ બ્રાહ્મણને ગાળો બોલતાં બંને વચ્ચે માથાકૂટ થઈ હતી, જેમાં ઉશ્કેરાઈને ધર્મેશે છરીના ઘા ઝીંકી વિજયની હત્યા કરી નાખી હતી. ગાંધીગ્રામ પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ યથાવત રાખવામાં આવી છે.

 

(8:13 PM IST)