<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

લાભ પાંચમનો 'ડબલ ધમાકો': રાજકોટને મળી સવારની દિલ્હી કનેક્ટિવિટી, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની બે ફ્લાઈટનું ઓપરેશન શરૂ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કરાવ્યો શુભારંભ: ઉદ્યોગકારોની લાંબા સમયની માંગણી પૂર્ણ, હવે રાજકોટ-દુબઈ ફ્લાઇટ માટે રજૂઆત.

રાજકોટ: સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને ધાર્મિક કેન્દ્ર સમા રાજકોટ માટે આજે લાભ પાંચમનો દિવસ ઐતિહાસિક અને શુભ સાબિત થયો છે. લાંબા સમયથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ અને ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવી રહેલી દિલ્હીની સવારની સીધી કનેક્ટિવિટી ની માંગણી આખરે પૂર્ણ થઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ આજે રાજકોટ એરપોર્ટ પરથી ઇન્ડિગો (IndiGo) અને એર ઇન્ડિયા (Air India) ની બે ફ્લાઇટ ઓપરેશનનો શુભારંભ કરાવ્યો હતો. મંત્રી માંડવિયાએ પોતે પણ આજે એર ઇન્ડિયાની પહેલી ફ્લાઇટમાં મુસાફરી કરીને આ અવસરની ઉજવણી કરી હતી.
મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર છે, જે મોરબીના ઉદ્યોગ અને દ્વારકા-સોમનાથ જેવા ધાર્મિક સ્થળોને જોડે છે.  "આ માંગને ધ્યાનમાં રાખીને એવિએશન મંત્રાલયે લાભ પાંચમની શુભ તિથિએ જ બે એરલાઇન્સ દ્વારા સવારના સમયે ફ્લાઇટ ઓપરેશન ચાલુ કરાવ્યું છે. આનાથી ઉદ્યોગકારો, વેપારીઓ અને યાત્રાળુઓ માટે દિલ્હીની મુસાફરી સ્મૂથ બનશે અને પ્રાદેશિક વિકાસને વેગ મળશે."
આગામી યોજનાઓ અંગે વાત કરતા મંત્રી માંડવિયાએ જણાવ્યું કે, રાજકોટ અને મોરબીના ઉદ્યોગકારો માટે આંતરરાષ્ટ્રીય ટ્રાવેલિંગ ખૂબ મહત્ત્વનું છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, એવિએશન મિનિસ્ટ્રીને રાજકોટ-દુબઈની ફ્લાઇટ વહેલી તકે શરૂ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પણ મળી શકે.

(12:05 PM IST)