<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st October 2025

દિવાળીના તહેવારો દરમ્‍યાન છ-છ હત્‍યાઓ અને ગેંગવોરમાં સરાજાહેર ફાયરિંગથી પોલીસની આબરૂના ચિંથરા ઉડયા

શહેરમાં કથળતી જતી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ અંગે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરી ખાતે બેનરો દર્શાવી પ્રગટ કર્યો વિરોધ

રાજકોટ તા.૩૧: તાજેતરમાં દિવાળીના તહેવારો દરમ્‍યાન થયેલી અડધો ડઝન હત્‍યાની ઘટના અને બે દિવસ પૂર્વે વ્‍હેલી સવારે શહેરના મંગળા રોડ ઉપર બે ગેંગો વચ્‍ચે ખુલ્લેઆમ બનેલી ધાણીફુટ ગોળીબારની ઘટનાઓથી શહેરની કાયદો વ્‍યવસ્‍થા કથડી ગયાનું સ્‍પષ્‍ટ થઇ ગયું છે. શાંત શહેર હવે શાંત રહયું નથી તેવું આમ નાગરિક અનુભવી રહયો છે ત્‍યારે આજે પોલીસ કમિશનર કચેરી ખાતે શહેર કોંગ્રેસ દ્વારા પોલીસની ઢીલી નિતી અંગે વેદના ઠાલવી પોલીસ વધુ સતર્ક બની ગુનેગારો ઉપર બેખોૈફ ત્રાટકી ફરીથી શહેરની શાંતિ કાયમ કરે તેવી માંગણી ઉઠાવી હતી.

રજુઆતમાં જણાવાયું છે કે, રાજકોટ શહેર એ રંગીલુ અને શાંત શહેર ગણાય છે પરંતુ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ચિથરે હાલ બનતી જાય છે. શહેરમાં ખાખીનો ખોફ ઓસરી ગયો છે. ખુલ્લે આમ ગુનાખોરીનો ગ્રાફ ઉચકાયો છે. રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોમાં હત્‍યાઓ થઈ છે અને અઠવાડિયામાં છ હત્‍યાઓથી શહેરમાં ફફડાટ વ્‍યાપી ગયો છે. નજીવી બાબતે અથડામણો થાય અને ફોન કરતાની સાથે જ ગેંગ ઉમટી પડે અને હત્‍યાઓ, ખુની હુમલા મારામારીની ઘટના રોજિદી બની છે. તાજેતરમાં મંગળા રોડ પર બે ગેંગ આમને સામને આવી જતા ફાયરિંગની ઘટનાઓ બની હતી આ ગેંગ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા છે ત્‍યારે પોલીસ દ્વારા કોઇ નક્કર કામગીરી ન કરાતા શહેરમાં ગેંગવોરે માથું ઉચકયું છે. આગામી દિવસોમાં પોલીસ એક્‍શનમાં નહીં આવે તો આ ગેંગમાંથી વધુ હત્‍યાઓ પણ નકારી શકાતી નથી.

રાજકોટમાં ચોરી, લૂંટ, સ્‍પાના નામે ચાલતા કુટણખાના સહિતના ગંભીર ગુનાઓમાં જબરદસ્‍ત ઉછાળો આવ્‍યો છે. અત્‍યારે રાજકોટ શહેરમાં ઉચ્‍ચ પોલીસ અધિકારીઓની ફોજ હોવા છતાં ક્રાઈમ રેટ ઉચકાયો છે. ક્રાઈમ રેટ અટકાવવામા રાજકોટ શહેર પોલીસ તંત્ર નિષ્‍ફળ પુરવાર થઇ છે. જેને પગલે રાજકોટની જનતામાં ભયનો માહોલ પેદા થયો છે. શહેરમાં મોટાભાગના ગુનાઓ દેશી અને વિદેશી દારૂના હાટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે ત્‍યારે પોલીસની મીઠી નજર હેઠળ હપ્તાખોરીના દૂષણના કારણે ચાલતા આવા દારૂના અડ્ડાઓ ગુનાખોરીનું હબ બની ગયા છે. રાજકોટ શહેરનું પોલીસ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલિંગ ફક્‍ત કાગળ ઉપર સીમિત બન્‍યું છે અને રાજકોટમાં ટ્રાફિકની સમસ્‍યા પણ વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્‍યાઓ રોજિંદી બની છે.

જે પોલીસ મથકના તાબા હેઠળ ગુનાખોરી વકરી રહી છે તે પોલીસ મથક ના પોલીસ ઇન્‍સ્‍પેકટર ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ રજુઆતમાં ડો..રાજદીપસિંહ જાડેજા (પ્રમુખ રાજકોટ શહેર કોંગ્રેસ), ઇંદ્રનીલભાઈ રાજ્‍યગુરુ, નરેન્‍દ્રભાઈ સોલંકી, ડો.હેમાંગભાઈ વસાવડા, શ્રીમતિ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, જસવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, ડી. પી. મકવાણા, અતુલભાઈ રાજાણી, સંજયભાઈ આજુડિયા, દીપ્તિબેન સોલંકી, વૈશાલીબેન શિંદે, આદિત્‍યસિંહ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, મુકુંદભાઈ ટાંક, રવિભાઈ જીત્‍યા સહિતના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

(4:00 PM IST)