તા. ૩૦ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૨ શુક્રવાર
News of Tuesday, 4th November 2025
રાજકોટમાં ઘરે-ઘરે BLO પહોંચવાનું શરૂઃ મતદાર હયાત છે કે કેમ... નામ-સરનામા-સ્થળાંતર-ભૂલો સહિતનો સર્વે શરૂ

રાજકોટ, તા. ૪: ગુજરાતમાં વિધાનસભાની કે અન્ય સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ નજીક આવી રહી છે, આ દરમિયાન રાજ્યભરમાં સ્પેશિયલ ઇનેનસીલ રિવિઝન (SIR) ની કામગીરીમાં ઝડપ જોવા મળી છે. આ કામગીરીના ભાગરૂપે આજે, બૂથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ઘરે-ઘરે જઈને મતદારોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ૨૦૦૨ની મતદાર યાદી સુધારણાના સંદર્ભમાં આ સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સંપૂર્ણપણે શુદ્ધ અને અપડેટ કરવાનો છે. BLO દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મમાં જરૂરી વિગતો મેળવવામાં આવી રહી છે.
આ સર્વે દરમિયાન BLO દ્વારા મુખ્યત્વે મતદારો હયાત છે કે નહીં તેની ચકાસણી. મતદારોએ તેમના મતદાન મથક બદલી ગયા છે કે નહીં. મતદારના નામ, સરનામા કે અન્ય વિગતોમાં સુધારો જરૂરી છે કે નહીં. આ માહિતીના આધારે યાદીમાં મળત્યુ પામેલા, સ્થળાંતર કરનારા અને નામમાં ભૂલ ધરાવતા મતદારોની વિગતો સુધારી શકાશે.
ચૂંટણી પંચની સૂચના મુજબ, રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ ૨૫૫૬ જેટલા BLO દ્વારા આ સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ BLO દ્વારા પોતાના નિયત બૂથ વિસ્તારમાં ઘરે-ઘરે જઈને વ્યક્તિગત રીતે મતદારો પાસેથી માહિતી મેળવવામાં આવી રહી છે. આ કામગીરી એક મહિના સુધી કરવામાં આવશે અને ત્યારબાદ શંકાસ્પદ મતદારોને નોટિસ આપવામાં આવશે. અને શંકાસ્પદ જણાશે તો નામ કમી સહિતની કાર્યવાહી હાથ કરવામાં આવશે અને ત્યારબાદ ફેબ્રુઆરી મહિનામાં ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે
(3:28 PM IST)










