<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th November 2025

રાજકોટ જિલ્લાના ૬૫૨ ગામોમાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનીનો સર્વે પૂર્ણ : ૪.૩૦ લાખ હેક્ટર જમીનમાં ૩૩% થી વધુ નુકસાનનો અંદાજ

મુખ્યમંત્રીના આદેશ બાદ ૧૦૨ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી : મગફળીના પાથરા પલળી જવા, કપાસના જીંડવા ખરી જવા, અને સોયાબીન ઉગી જવાથી મોટું નુકસાન : રાજ્ય સરકાર ખેડૂતોને વહેલી તકે વળતર આપવા કટિબદ્ધ

રાજકોટ : રાજ્યભરમાં થયેલા કમોસમી વરસાદથી કૃષિ પેદાશોને મોટા પાયે અસર થતાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને ખેત પેદાશમાં થયેલ નુક્સાનીના વળતરનો અંદાજ મેળવવા માટે તાત્કાલિક સર્વે હાથ ધરવા સંલગ્ન વિભાગને સૂચના આપી હતી. જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ૧૦૨ જેટલી ટીમો દ્વારા તાત્કાલિક સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ખેતીવાડી વિભાગ, રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટીમ દ્વારા જિલ્લાના કુલ ૬૫૨ ગામોમાં સર્વે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. સર્વેના પ્રાથમિક અંદાજ મુજબ, જિલ્લાના કુલ ૪.૩૬ લાખ હેક્ટર અસરગ્રસ્ત વિસ્તાર પૈકી ૪.૩૦ લાખ હેક્ટર જમીનમાં ૩૩ ટકાથી વધુ નુકસાની થઈ હોવાનો અંદાજ છે.
કયા પાકોને કેટલું નુકસાન થયું?
રાજકોટ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી જેવા ખેતી અને બાગાયતી પાકોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય નુકસાનીની વિગતો આ પ્રમાણે છે:
 * મગફળીના પાકના પાથરા પલળી જવા અને પાથરામાં રાખેલા ખેતપેદાશો વરસાદને લીધે ઉગી જવી.
 * કપાસના પાકમાં જીંડવા ખરી જવા કે ઉગી જવા.
 * સોયાબીનના પાકમાં પાથરા પલળી જવા કે ઉગાવો નીકળી જવા જેવી નુકસાની થવા પામી છે.
 * આ ઉપરાંત દિવેલા, તુવેર, ઘાસચારો વગેરે પાકોમાં થયેલ નુકસાનીની વિગતો પણ સર્વેમાં સામેલ કરવામાં આવેલી છે.
તાલુકાવાર સર્વે કામગીરી પૂર્ણ
સર્વેની તાલુકા પ્રમાણે કરાયેલી કામગીરી મુજબ રાજકોટ તાલુકામાં ૧૨૯ ગામો, ગોંડલ તાલુકામાં ૮૭, જસદણમાં ૬૦, જેતપુરમાં ૫૫, ઉપલેટામાં ૫૫, જામકંડોરણામાં ૪૭, વીંછીયામાં ૪૬, કોટડા સાંગાણીમાં ૪૧, લોધિકામાં ૩૮, પડધરીમાં ૫૮ અને ધોરાજી તાલુકાના તમામ ૩૬ ગામો મળીને તમામ ૬૫૨ ગામોમાં સર્વે કામગીરી પૂરી થઈ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત રોજ જૂનાગઢ અને ગીર સોમનાથ પંથકમાં જાતે નિરીક્ષણ કરી ખેડૂતોને થયેલ નુકસાનની વિગતો મેળવી હતી. રાજ્યના મંત્રીઓ પણ આ કૃષિપેદાશોની નુકસાનીના સર્વેમાં હાજર રહીને ખેડૂતોના હિતની ચિંતા પ્રત્યેની રાજ્યસરકારની કટિબદ્ધતાની પ્રતીતિ ખેડૂતોને કરાવી રહ્યા છે, અને ખેડૂતોને વહેલામાં વહેલી તકે નુકસાનીનું વળતર મળી રહે તે માટે આશ્વસ્ત કરી રહ્યા છે.

 

(7:59 PM IST)