News of Thursday, 6th November 2025
સરધારના જીજ્ઞેશભાઇ વ્યાસને પણ નકલી પોલીસ બની મિહીર કુગશીયાએ લાફા મારી ૯૫ હજાર લૂંટી લીધા'તા
ત્રીજી તારીખે બરકતીનગરના ટ્રાન્સપોર્ટરને એલસીબીના નામે ડરાવી ૨૦ હજાર લૂંટયા તેના ૪ દિવસ પહેલા ૩૦મીએ જ્યુબીલી ચોકમાં આવો જ ગુનો આચર્યાનું ખુલતાં જેલમાંથી કબ્જો લેવાશે : અમદાવાદ ઇન્ટરવ્યુ દેવા જઇ રહેલા દવા કંપનીના કર્મચારી બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશને જતાં હતાં ત્યારે જ્યુબીલી ચોકમાં ઉભા રાખી ‘તમે બસ સ્ટેશન પાસે છોકરી સાથે ખોટા કામ કરો છો' કહી લાફા મારી થેલામાંથી રોકડ પડાવી લીધી હતીઃ એ-ડિવીઝનમાં ફરિયાદ : વારેઘડીએ નકલી પોલીસ બની રૂપિયા પડાવતો, લૂંટતો મિહીર કુગશીયા

રાજકોટ તા. ૬: શહેરના પોપટપરામાં રહેતાં અને વારંવાર નકલી પોલીસ બની તોડ, લૂંટ કરનારા શખ્સને અસલી પોલીસનો ડર જ ન હોય તેમ સતત આવા ગુના કરતો રહે છે. તાજેતરમાં ઢબર રોડ નાગરિક બેંક ચોકમાં ટ્રાન્સપોર્ટરને આંતરી તારા પરગુનો છે, ટાંટીયા ભાંગી નાખવા છે કહી પોલીસના નામે ડરાવી વીસ હજાર પડાવવાના ગુનામાં પકડાઇને જેલહવાલે થયેલા આ શખ્સ સામે વધુ એક આવો ગુનો નોંધાયો છે. ટ્રાન્સપોર્ટરનો તોડ કર્યો એના ચાર દિવસ પહેલા તેણે બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી જંકશન રેલ્વે સ્ટેશને જઇ રહેલા સરધાર રહેતાં દવાના કંપનીના કર્મચારીને જ્યુબીલી બાગ ચોકમાં આંતરી પોલીસની ઓળખ આપી ‘તું બસ સ્ટેશન પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવે છે, પોલીસ સ્ટેશને આવવું પડશે' કહી લાફા મારી થેલો ચેક કરી ૯૫ હજાર લૂંટી લીધાનું ખુલ્યું છે.
જે તે વખતે સરધારના યુવાન અમદાવાદ ઇન્ટરવ્યુ આપવા જતાં હોઇ ટ્રેનમાં બેસી રવાના થઇ ગયા હતાં. બાદમાં તેમણે છાપામાં નકલી પોલીસ ઝડપાયો તેના સમાચાર વાંચતા અને આરોપીનો ફોટો પણ જોતાં આ શખ્સ પોતાને પણ પોલીસના નામે લૂંટી ગયાનું જણાતાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે સરધાર ગામ શાંતિનગર વૃંદાવન સોસાયટી ઘર નં. ૪માં રહેતાં જીજ્ઞેશભાઇ કિરીટભાઇ વ્યાસ (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી પોપટપરા રામજી મંદિર પાસે શેરી નં.૫મા મિહીર ભાનુભાઇ કુગશીયા સામે ગુનો નોંધ્યો છે. તાજેતરના ગુનામાં મિહીર જેલમાં હોઇ તેનો જેલમાંથી કબ્જો લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જીજ્ઞેશભાઇ વ્યાસ દવાની કંપનીમાં નોકરી કરે છે. તેણે જણાવ્યું છે કે ગત ૩૦/૧૦/૨૫ના રોજ અમદાવાદ ખાતે ફાર્મા કંપનીમાં મારે ઇન્ટરવ્યું હોઇ જેથી સાંજે પાંચેક વાગ્યે સરધારથી અમદાવાદ જવા સરકારી બસમાં બેઠો હતો. સાંજે સાડા છએક વાગ્યે હું રાજકોટ એસટી બસ સ્ટેશનમાં ઉતર્યો હતો. રાજકોટથી ટ્રેનમાં બેસી અમદાવાદ જવાનું હોઇ બસ સ્ટેશન પાસેથી ઓટો રિક્ષામાં બેઠો હતો. મારી પાસે એક થેલો હતો.
જ્યુબલી ચાર રસ્તા ચોકમાં પહોંચતા એક શખ્સ સફેદ રંગનું મોપેડ લઇને આવ્યો હતો અને રિક્ષા ઉભી રખાવી હતી. આ શખ્સે મને કહેલુ કે-હું પોલીસમાં છું, તમે બસ સ્ટેશન પાસે છોકરી સાથે ખોટા કામ કરવા આવ્યા હતાં, તમારે પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહેતાં મેં કહેલુ કે મેં કોઇ ખોટા કામ કર્યા નથી. આથી એ શખ્સ ખુબ જ ઉશ્કેરાઇ ગયો હતો અને મને ગાલ પર આડેધડ ફડાકા મારી દીધા હતાં. તેમજ મારો થેલો ચેક કર્યો હતો. થેલામાં રૂા. ૯૫ હજાર રોકડા હતાં. તેણે આ રકમ બળજબરીથી મારી પાસેથી પડાવી લીધી હતી. બાદમાં તે નંબર પલેટ વગરના ટુવ્હીરલમાં મને બેસાડીને રેલ્વે સ્ટેશન પાસે લઇ ગયો હતો. એ પછી તેણે મને ઉતારીને-હવે પછી બસ સ્ટેશન પાસે ખરાબ કામ કરવા ક્યારેય આવતો નહિ તેમ કહી જતો રહ્યો હતો.
મારે ઇન્ટરવ્યું પહોંચવું ફરજીયાત હોઇ હું અમદાવાદ ગયો હતો. બાદમાં ૩/૧૧ના રોજ સરધાર પરત આવ્યો હતો. ચોથી તારીખે મેં છાપામાં સમાચાર વાંચ્યા હતાં કે રાજકોટમાં ક્રાઇમ બ્રાંચના નામે વીસ હજારનો તોડ કરનારા શખ્સ કે જેનું નામ મિહીર કુગશીયા છે તેને માલવીયાનગર પોલીસે પકડયો છે. મિહીરનો ફોટો પણ આ ન્યુઝ સાથે હોઇ હું તેને ઓળખી ગયો હતો અને પોલીસને જાણ કરી હતી. આ શખ્સ મને પોલીસના નામે ડરાવી બસ સ્ટેશન પાસે ખોટા કામ કરો છો તેમક હી લાફા મારી ૯૫ હજાર લૂંટી ગયો હતો. જેથી મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં જીજ્ઞેશભાઇએ કહેતાં પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં એએસઆઇ આર. જી. ચોૈહાણે ગુનો નોંધ્યો છે. તાજેતરના ભક્તિનગર પોલીસના ગુનામાં મિહીરને માલવીયાનગર પોલીસે પકડયો હતો. ત્યારે તેણે બરકતીનગરના ટ્રાન્સપોર્ટર સમીરભાઇ ગુણુભાઇ મુલતાનીને બસ સ્ટેશનથી રિક્ષામાં બેસી કોઠારીયા તરફ જવા નીકળ્યા ત્યારે નાગરિક બેંક ચોકમાં ઉભા રાખી રિક્ષાવાળાને ભગાડી મુકી ટ્રાન્સપોર્ટરને એલસીબી ક્રાઇમ પોલીસના નામે ડરાવી તારા પર ગુનો છે પોલીસ સ્ટેશને આવવું પડશે તેમ કહી ડરાવી વીસ હજાર પડાવ્યા હતાં. આ ગુનો તેણે ૩/૧૧ના રોજ આચર્યો હતો. એ પહેલા ૩૦/૧૦ના રોજ તેણે સરધારના જીજ્ઞેશભાઇને જ્યુબીલી ચોકમાં રિક્ષા સાથે આંતરી રિક્ષામાંથી ઉતારી લાફા મારી ૯૫ હજાર પડાવ લીધા હતાં. ભક્તિનગરનો ગુનો ડિટેક્ટ થયા બાદ જીજ્ઞેશભાઇએ સમાધારમાં મિહીરનો ફોટો જોઇ ઓળખી જઇ ફરિયાદ નોંધાવી છે. તેનો જેલમાંથી કબ્જો લઇ વધુ તપાસ કરાશે. (૧૪.૯)
અસલી પોલીસનો ડર જ ન હોય તેમ સાતમો ગુનોઃ ભોગ બનનારે છાપામાં સમાચાર સાથે ફોટો જોતાં મિહીરને ઓળખી ગયા અને ફરિયાદ નોંધાવી
નકલી પોલીસ બની તોડ, લૂંટ કરનારો મિહીર કુગશીયા અગાઉ ૨૦૨૩માં એ-ડિવીઝન, ત્યારબાદ ગોંડલ સીટી બી-ડિવીઝનમાં નકલી પોલીસ બનવાના ગુનામાં અને ૨૦૨૪માં બી-ડિવીઝનમાં મારામારી, નિર્લજ્જ હુમલો, એ પછી તાજેતરમાં ફરી એ-ડિવીઝનમાં નકલી પોલીસના ગુનામાં અને ત્યારબાદ બી-ડિવીઝનમાં એક ગુનામાં પકડાયો હતો. અગાઉ સુરત જેલમાં પાસાની હવા પણ ખાઇ ચુક્યો છે. ભક્તિનગરમાં છઠ્ઠો અને ફરીથી એ-ડિવીઝનમાં સાતમો ગુનો નોંધાયો છે. અસલી પોલીસનો ડર જ ન હોય તેમ આ શખ્સ નકલી પોલીસ બની સતત એક સરખા ગુના આચરતો રહે છે. તેનું ગુનાનું કાર્યક્ષેત્ર પણ એસટી બસ સ્ટેશન આસપાસનું જ રહ્યું છે.
(2:46 PM IST)










