<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th November 2025

રાજકોટમાં રવિવારથી ‘સાંસદ ખેલ મહોત્‍સવ'નો થશે પ્રારંભ

કબડ્ડી, ખોખો અને એથ્‍લેટીક્‍સમાં ૧૭ વર્ષથી નાના અને સિનિયર સિટીઝન સુધીના બે ગ્રુપો જોડાશે, ૧૦ હજારથી વધુ ખેલાડીઓ ભાગ લેશેઃ રમતવીરોને જોડાવવા પૂરૂષોતમભાઈ રૂપાલાનું આહવાન

રાજકોટઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય શાસનની ધૂરા સંભાળી ત્‍યારથી અનેક બાબતો પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરી દેશનાં કિશોર-કિશોરીઓ, યુવાધનથી લઈ સિનિયર સિટિઝનો સુધીના તમામ વર્ગને અલગ-અલગ પ્‍લેટફોર્મ મળે એવા સફળ પ્રયાસો કર્યા છે. જેની એક કડી રૂપે સને-૨૦૧૯ થી સાંસદ ખેલ મહોત્‍સવ સમગ્ર દેશમાં શરૂ કરાવ્‍યો જે દર વર્ષે ઉજવાય છે. રાજકોટનાં સાંસદ પુરૂષોતમભાઈ રૂપાલા પ્રેરિત ખેલ મહોત્‍સવ આગામી તા.૦૯, રવિવારે સવારે ૯-૩૦ વાગ્‍યે રેસકોર્ષના એથ્‍લેટીકસ ગ્રાઉન્‍ડ ખાતે ઉદઘાટિત થશે.

વડાપ્રધાનની પ્રેરણાથી દેશનાં દરેક સાંસદ પોતાના મત ક્ષેત્રમાં ૧૭ વર્ષની ઉંમરના કિશોર-કિશોરીઓથી માંડી સિનિયર સિટિઝન સુધીના કોઈપણ ભાઈઓ-બહેનો પોતાનું ખેલ કૌશલ્‍ય બતાવી શકે તે માટે સાંસદ ખેલ મહોત્‍સવ યોજાતા રહે છે. રાજકોટના સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા આયોજિત ખેલ મહોત્‍સવ તા.૦૯થી શરૂ થનાર છે. જેના ઉદઘાટન અવસરે કાર્યક્રમના અધ્‍યક્ષ તેમજ ઉદઘાટક તરીકે શ્રમ કૌશલ્‍ય વિકાસ અને રોજગાર કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને રાજયકક્ષાના મંત્રી કાંતીભાઈ અમૃતિયા રહેશે. મુખ્‍ય મહેમાન તરીકે રાજકોટ જીલ્‍લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મેયર નયનાબેન પેઢડિયા, રાજયસભાના સાંસદ રામભાઈ મોકરિયા, કેશરીદેવસિહ ઝાલા, ધારાસભ્‍યો ભાનુબેન બાબરિયા, ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, દુર્લભજીભાઈ દેથરિયા, જીતુભાઇ સોમાણી ઉપસ્‍થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે. રાજકોટ જિલ્‍લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરિયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, એથ્‍લેટીકસ નેશનલ પ્‍લેયર યશ દવે, નેશનલ પેરાશૂટિગ પ્‍લેયર ભૂમિબેન મહેતા, નેશનલ કબડ્ડી પ્‍લેયર સાગર ચાવડા ઉપસ્‍થિત રહેશે. આયોજન સમિતીમાં પૂર્વ મેયર પ્રદિપભાઈ ડવ, શહેર ભાજપ ઉપાધ્‍યક્ષ રાજાદિપસિંહ જાડેજા, રમત-ગમત સેલના રાજકોટ શહેર ભાજપ કન્‍વિનર કિશોરભાઈ હાપલિયા, રમત-ગમત સેલ રાજકોટ શહેર ભાજપના હિમાંશુભાઇ મહેતા સેવા આપી રહયાં છે.

 ૯, નવેમ્‍બરથી શરૂ થનારો ‘સાંસદ ખેલ મહોત્‍સવ' રાજકોટ ઉપરાંત મોરબી અને જસદણમાં પણ રમાડવામાં આવશે. જેમાં કબડ્ડી, ખોખો અને એથ્‍લેટીકસની રમતો સમાવિષ્ટ કરવામાં આવી છે. આ રમતોત્‍સવમાં ૧૭ વર્ષથી નીચેના ભાઈઓ-બહેનો માટે એક ગ્રુપ અને ૧૭ વર્ષથી માંડી સિનિયર સિટિઝન સુધીના ભાઈઓ-બહેનોનું બીજું ગ્રુપ ભાગ લેશે.

જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થનારને મેડલ, ટ્રોફી અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. આ સાંસદ ખેલ મહોત્‍સવનો કલોઝીંગ સેરેમની તા.૨૫, ડીસેમ્‍બર-૨૦૨૫ ના રોજ યોજાશે જેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી વર્ચ્‍યુલી જોડાઈને દેશભરના રમતવીરોને પ્રેરિત કરશે. રમતોત્‍સવ દરમ્‍યાન ખેલાડીઓ માટે ચા-પાણી નાસ્‍તો અને ભોજન સહિતની તમામ વ્‍યવસ્‍થા કરવામાં આવશે. આ ખેલ મહોત્‍સવ અંગે કોઈપણ પ્રકારની માહિતી માટે હિમાંશુભાઈ મહેતા (મો.૯૮૯૮૯ ૪૩૧૪૪) અથવા કિશોરભાઈ હાપલિયા (મો.૮૪૮૭૮૦૧૪૬૯) પર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:34 PM IST)